શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યો

શાપરમાં રહેતી પરિણીતા પોતાના પતિ સાથે રામવન પાસે બાંધકામ સાઈટ પર કામ કરતી હતી તે દરમિયાન પતિના શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની જાણ થતા દંપતિ…

શાપરમાં રહેતી પરિણીતા પોતાના પતિ સાથે રામવન પાસે બાંધકામ સાઈટ પર કામ કરતી હતી તે દરમિયાન પતિના શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની જાણ થતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો જે દરમિયાન પતિએ પરિણીતાને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં રહેતી ભાનુબેન ઉર્ફે મણીબેન કનુભાઈ વઘેરા નામની 40 વર્ષની પરિણીતા બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રામવન પાસે મોન્ટુભાઇની બાંધકામ સાઈટ પર હતી ત્યારે પતિ કનુભાઈ વઘેરાએ ઝઘડો કરી લોખંડના સળિયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ભાનુબેન ઉર્ફે મણીબેન વઘેરા અને તેમના પતિ કનુભાઈ વઘેરા બંને મોન્ટુભાઇની બાંધકામ સાઈટ પર કામ કરે છે. પતિ કનુભાઈ વઘેરાને શ્રમિક યુવતી સાથે આડા સંબંધ હોવાની ભાનુંબેન ઉર્ફે મણીબેન વઘેરાને જાણ થતાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન ઉશ્કેરાયેલા પતિ કનુભાઈ વઘેરાએ પત્ની ભાનુબેન ઉર્ફે મણીબેન વઘેરાને લોખંડના સળિયા વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.