Site icon Gujarat Mirror

ખેડૂત ન હોય તેવી વ્યક્તિ ખેતી બેંકના ચેરમેન કઈ રીતે બની ગયા?

ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન ડોલર કોટેચા સામે સભાસદોએ સવાલ ઉઠાવતા ધમાલ, બે સભ્યોની અટકાયત કરી સભા વહેલી આટોપી લેવાઈ

સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્રને હચમચાવતો ઘટનાક્રમ, ટૂંક સમયમાં મોટા ધડાકા થવાના નિર્દેશ, સરકારમાં ચાલતી કાયદાકીય રમત પણ ચર્ચામાં

ગુજરાતમાં સહકારી નેટવર્ક ધરાવતી ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેંક લિ. (ખેતીબેંક)ની વાર્ષિક સાધારણ સભા ગઈકાલે ગાંધીનગર ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા ખેડુત ખાતેદાર ન હોવા છતાં લાખો ખેડુત ખાતેદારોની બેંકના ચેરમેન પદે ગેરકાયદેસર રીતે બેસી ગયા હોવાનો અમુક સભ્યોએ આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. જો કે, વિવાદ વધુ સળગે તે પહેલા સામાન્ય સભા આટોપી લેવાની ફરજ પડી હતી. સાથો સાથ ગંભીર આક્ષેપો કરનાર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતાં.

મુખ્યમંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતાઓની હાજરીમાં બેંકના ચેરમેન સામે ઉઠાલા સવાલોથી સોંપો પડી ગયો હતો અને લાખો ખેડુતો ખાતેદારોમાં પણ હવે ગણગણાટ શરૂ થઈ ગયો છે. કે, ખેડુત ખાતેદાર ન હોય તેવી વ્યક્તિ કોની કૃપાથી ખેતી બેંકની ચેરમેન બની ગઈ છે?

ગાંધીનગરના ટાઉનહોલમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂૂરલ બેન્ક લિમિટેડ (ખેતી બેંક)ની સામાન્ય સભા અને મુખ્યમંત્રી ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા ગેરકાયદે સભાસદ બનવા મુદ્દે કેટલાક સભાસદોએ હોબાળો કર્યો હતો. ગેરકાયદે સભાસદ હોવાનો ખુલાસો માંગવામાં આવતા ચેરમેને જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે હોબાળો થતાં સામાન્ય સભા તાત્કાલિક આટોપી લેવામાં આવી હતી. આ સમયે ખેતી બેંકના અમદાવાદ જિલ્લા પ્રતિનિધિ કાનભા ગોહિલે પણ મંચ ઉપરથી ખુલ્લો વિરોધ કર્યો હતો. જેના કારણે સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો.

સામાન્ય સભા શરૂૂ થાય તે પહેલાં મહેસાણા ખેતી બેંકના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી અને સાબરકાંઠા ખેતી બેંકના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની પણ અટકાયત કરવામાં આવી હતી. બંને પ્રતિનિધિઓને ટાઉનહોલના ગેટ પાસેથી અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

સામાન્ય સભા પૂર્ણ થયા બાદ બંને પ્રતિનિધિઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રતિનિધિઓએ ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરેલા ગેરકાયદે ઠરાવોનો બંને પ્રતિનિધિએ વિરોધ કર્યો હતો. સામાન્ય સભામાં બંને પ્રતિનિધિઓ ડોલર કોટેચા પાસેથી ખુલાસો માગવાના હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોલ ખુલી ન જાય તે માટે બંને પ્રતિનિધિઓની અટકાયત કરવામાં આવી હતી. સરકારના આશીર્વાદ હોય તો સહકારી કાયદામાં કેવા ખેલ ખેલી શકાય છે તે અંગે ખેતી બેંકના પ્રતિનિધિઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

ડોલર કોટેચા ખેડુત ખાતેદાર ન હોવા છતાં તેને બેંકના ડિરેકટર બનાવવા માટે પેટા નિયમોમાં પાછલા બારણે સુધારા કરી મોટા પાયે કાયદાકીય ઉલ્લંઘનો કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સહકારી વિભાગમાં ચાલતી રમતો અંગે ચોંકાવનારા ઘટસ્ટફોટ થવાના નિર્દેશો મળી રહ્યા છે.

ખેડૂતોની બેંકમાં ખેડૂત ખાતેદાર જ ચેરમેન બને તે જ અમારી માંગ: કાનભા

ભાજપ માટે જીવન સમર્પિત કર્યું પણ આજે અમને જ ન્યાય મળતો નથી

ખેતી બેંકની સાધારણસભામાં બિન ખેડુત ખાતેદાર ચેરમેનનો વિરોધ કરનાર બાવળા માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન કાનભા ગોહિલે જણાવ્યું હતું કે, મેં છેલ્લા બાવન વર્ષથી ભાજપમાં સેવા કરી છે.

નરેન્દ્રભાઇ મોદી, કાશીરામ રાણા, અશોકભાઇ ભટ્ટ, કેશુભાઇ પટેલ સહીતના નેતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. તેથી દુ:ખ થાય છે કે, ખેડુતોની આટલી મોટી બેંકમાં ખેડુત ન હોય તેવા વ્યક્તિને ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે. દુ:ખની વાત તો એ છે કે, અમારી સાચી રજુઆત સરકાર પણ સાંભળતી નથી. ખેતી બેંકમાં બિન ખેડુતને ચેરમેન બનાવવા માટે પાછલા બારણે જે ઠરાવ થયો છે તે રદ કરવા 9 સભ્યોએ અરજી કરી હતી પરંતુ તેમાંથી ચાર સભ્યોને યેનકેન પ્રકારે ફેરવી નાખવામાં આવ્યા છે અને ખેડુતોની સંસ્થા માટે ચલાવાતી લડતમાં અમને ન્યાય મળતો નથી.

કાનભા ગોહિલે જણાવ્યું હતું કે, અમે ભાજપ માટે ખુબ સંઘર્ષ કર્યો છે. લોકો માટે ખુબ લડયા છીએ તેના પાયા ઉપર પાર્ટી ઉભી થઇ છે પરંતુ અત્યારની સ્થિતિ જોઇને ખુબ દુ:ખ થાય છે. અમારી એક જ માંગણી છે કે, ખેડુતોની બેંકમાં ખેડુત હોય તે જ ચેરમેન બનવો જોઇએ.

Exit mobile version