મકાનોનું વેચાણ 6 વર્ષની ટોચે: ગ્રોથરેટ ધીમો પડ્યો

  અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં મકાનોનું વેચાણ સતત વધી રહ્યું છે, પરંતુ તેના વૃદ્ધિદરમાં મોટો ઘટાડો નોંધાયો છે. નાઇટ ફ્રેન્ક રિસર્ચના આંકડા અનુસાર, મકાનોના વેચાણનો…

 

અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં મકાનોનું વેચાણ સતત વધી રહ્યું છે, પરંતુ તેના વૃદ્ધિદરમાં મોટો ઘટાડો નોંધાયો છે. નાઇટ ફ્રેન્ક રિસર્ચના આંકડા અનુસાર, મકાનોના વેચાણનો વૃદ્ધિદર અગાઉના 15.4 ટકાથી ઘટીને 1.7 ટકા પર આવી ગયો છે. આમ છતાં, શહેરમાં મકાનોની માંગ સકારાત્મક રહી છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં 14,300 મકાનોના વેચાણ સાથે કુલ વેચાણ 6 વર્ષની નવી ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે.

અગાઉ વર્ષ 2023 ના પ્રથમ 9 મહિનાની સરખામણીએ 2024 ના સમાન ગાળામાં વેચાણ 12,090 યુનિટથી વધીને 13,955 યુનિટ થયું હતું, જે 15.4 ટકાનો વૃદ્ધિદર દર્શાવતો હતો. તેની સરખામણીએ 2025 ના પ્રથમ 9 મહિનામાં 14,064 યુનિટ્સ સામે 2026 માં 14,300 યુનિટ્સનું વેચાણ થયું છે, જે માત્ર 1.7 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે. જોકે, વેચાણનો ગ્રોથ રેટ લગભગ 14 ટકા જેટલો ઘટવા છતાં નવી સ્કીમો લોન્ચ થવામાં વૃદ્ધિ જોવા મળી છે. નવી સ્કીમો લોન્ચ કરવાનો દર 2025 ના 16,531 યુનિટથી 1.3 ટકા વધીને 2026 માં 16,745 યુનિટ થયો છે. વેચાણ ધીમું પડવા છતાં બિલ્ડરો સતત નવા પ્રોજેક્ટ્સ મૂકી રહ્યા છે, જે રિયલ એસ્ટેટ માર્કેટ પ્રત્યે તેમનો આત્મવિશ્વાસ દર્શાવે છે.

વર્ષ 2021 ના પ્રથમ 9 મહિનામાં 5,815 યુનિટનું વેચાણ થયું હતું, જે 2026 માં વધીને 14,300 યુનિટ થયું છે, એટલે કે પાંચ વર્ષમાં વેચાણમાં 146 ટકાનો જંગી વધારો થયો છે. મહામારી પછી 2022 માં 12,084 યુનિટ, 2023 માં 12,090 યુનિટ, 2024 માં 13,955 યુનિટ અને 2025 માં 14,064 યુનિટનું વેચાણ નોંધાયું હતું. 14,300 મકાનોના વેચાણ સાથે અમદાવાદ દેશના ટોચના 8 મોટા નિવાસી બજારોમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે, જ્યારે ચેન્નઈ 13,871 યુનિટ સાથે સાતમા અને કોલકાતા 13,022 યુનિટ સાથે આઠમા ક્રમે છે.

1 કરોડથી વધુના લકઝુરીયસ મકાનોનું વેચાણ 16 ટકા વધ્યું
અમદાવાદનું હાઉસિંગ માર્કેટ હવે વધુ પરિપક્વ બની રહ્યું છે અને ખરીદદારો પ્રીમિયમ તથા મોંઘા મકાનો તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. રૂૂ. 1 કરોડથી વધુ કિંમત ધરાવતા મકાનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 16 ટકાનો વધારો થયો છે અને આવા 3,885 મકાનો વેચાયા છે, જેનાથી કુલ વેચાણમાં તેમનો હિસ્સો 24 ટકાથી વધીને 27 ટકા થયો છે. રૂૂ. 2 થી 5 કરોડની કિંમતના મકાનોમાં 25 ટકા અને રૂૂ. 5 થી 10 કરોડના મકાનોના વેચાણમાં 48 ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે, રૂૂ. 50 લાખથી 1 કરોડની કિંમત ધરાવતા મકાનો હજુ પણ કુલ વેચાણમાં 43 ટકા હિસ્સા સાથે માર્કેટનો મુખ્ય આધાર બની રહ્યા છે.