ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 4ના મોત

  સુરતના કામરેજ નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી હેરિયર…

 

સુરતના કામરેજ નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી હેરિયર કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં.

મુંબઈથી શંખેશ્વર જૈન તીર્થધામે દર્શન કરવા જઈ રહેલા પરિવારની હેરિયર કાર રસ્તા પર ઊભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ચારેય લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ છે.

સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકની હદમાં આવતા ડીગસ ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મુંબઈથી પાટણ તરફ જઈ રહેલી હેરિયર કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડમ્પરમાં અચાનક એર પ્રેશરની ટેકનિકલ ખામી સર્જાતા ચાલકે ડમ્પર રસ્તા પર ઊભું રાખ્યું હતું. તે જ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી હેરિયર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ઊભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.. કારમાં સવાર ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતાં.

ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.અકસ્મા‌તને પગલે એક્સપ્રેસ વે પર વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. જોકે, પોલીસે સ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.