મહારાષ્ટ્રના નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં 8ના મોત

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત નાંદેડ-ભોકર…

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત નાંદેડ-ભોકર રોડ પર વાકડ ગામ નજીક થયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવતા ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે પિકઅપ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટના સમયે બંને વાહનો પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા. વાકડ ગામ નજીક અચાનક સામસામે ટક્કર થઈ હતી. અકસ્માતના અવાજથી સતર્ક થયેલા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પિકઅપ વાહનને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટરે આઠ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર, મૃતકોમાં એક પરિણીત દંપતી અને બે ભાઈઓનો સમાવેશ થાય છે. અકસ્માતની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ટક્કરમાં ટ્રકના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું હતું અને ડ્રાઈવર કેબિનની અંદર ફસાઈ ગયો હતો. પોલીસ અને બચાવ ટીમોએ તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અકસ્માતને કારણે રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.પોલીસ હાલ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વાહનોની વધુ ઝડપ આ અકસ્માતનું એક કારણ હતું.