Site icon Gujarat Mirror

સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોત

સાવરકુંડલા તાલુકાના ભુવા વિસ્તાર નજીક આવેલા રોડ પર આજ રોજ બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.મૃતકની ઓળખ કુલદીપભાઈ ચમપુભાઈ ખુમાણ (ઉંમર 28 વર્ષ) તરીકે થઈ છે. તેઓ આદસંગ ગામના વતની હતા અને લગ્ન પ્રસંગમાં જવા માટે કારમાં મુસાફરી કરી રહ્યા હતા.

ઇજાગ્રસ્ત થયેલા 10 લોકોમાં આરાધના હરપાલસિંહ ચુડાસમા, શિવમ હરપાલસિંહ ચુડાસમા, ધનેશ્રી ગીરીશભાઈ ત્રિવેદી, ભાગ્યશ્રીબેન ચંપુભાઈ ખુમાણ, કનુભાઈ જીવાભાઈ જેબલિયા, રેખાબેન ચંપુભાઈ ખુમાણ, ગીતાબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને વિશાલીબેનનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના બની ત્યારે તેઓ કારમાં સવાર હતા.આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય 10 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા તથા અમરેલીની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ તંત્રે તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણોની વિગતવાર તપાસ ચાલુ છે. સ્થાનિક અગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં પહોંચીને ઘાયલોની પૂછપરછ કરી અને પરિવારજનોને સાંત્વના આપી હતી.આ દુર્ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકો દ્વારા રોડ સુરક્ષા અને વાહન ચાલકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

Exit mobile version