ગુજરાત
સાયલામાં બીમારીથી કંટાળી હોમગાર્ડ જવાનનો આપઘાત
સુરેન્દ્રનગરના સાયલામાં રહેતા હોમગાર્ડ જવાને માનસીક બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. યુવકનુ રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલામાં આવેલા વણકરવાસમાં રહેતા જીવણભાઇ મગનભાઇ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એસીડ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછપરછમાં મૃતક જીવણભાઇ મકવાણા 3 ભાઇ અને બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. દોઢ માસ પુર્વે હોમગાર્ડમાં નોકરી ઉપર લાગેલા જીવણભાઇ મકવાણાએ માનસીક બિમારીથી કંટાળી આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટના ખીજડીયા ગામે રહેતા રમેશભાઇ ટપુભાઇ સોલંકી (ઉ.વ. પ0) એ માનસીક બિમારીથી કંટાળી પોતાના ઘર પાસે કચરો સળગાવી પોતાની જાતે જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાઝેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમનુ મોત નિપજતા પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.