હોમગાર્ડ જવાને કેન્સરની બીમારીથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

શહેરમાં ભગવતીપરામાં આવેલા ત્રિમૂર્તિ ચોક વિસ્તારમાં રહેતા તુષારભાઈ જેન્તીભાઈ લોખીલ નામના 26 વર્ષના યુવાને ગઈ કાલે રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘરેથી નીકળી…

શહેરમાં ભગવતીપરામાં આવેલા ત્રિમૂર્તિ ચોક વિસ્તારમાં રહેતા તુષારભાઈ જેન્તીભાઈ લોખીલ નામના 26 વર્ષના યુવાને ગઈ કાલે રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘરેથી નીકળી ગયેલા યુવાન અંગે પરિવારે પોલીસ મથકમાં ગુમનોંધની જાણ કરી શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ ફાયરના સ્ટાફને પ્રદ્યુમ્ન પાર્ક પાસે આવેલા રાંદરડા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતા તુષારભાઈના પરિવારજનોને બોલાવતા તેઓએ તુષારભાઈનો મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. યુવાનનો મૃતદેહ હાથ લાગતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. તુષારભાઈ લોખીલ બી-ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતો હતો. યુવકે કેન્સરની બીમારીની સારવાર સબબ નાકમાં તબીબી નળી, હાથમાં ઇન્ટ્રાવેનસ લાઈન તથા યુરીન કેથેટર બેગ લગાવેલી હાલતમાં રાત્રીના સમયે ઘરેથી નીકળી રાંદરડા તળાવમાં જંપલાવી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.