Site icon Gujarat Mirror

ભૂગર્ભ ગટરના ચાલતા કામમાં હિટાચી ચાલકે બે મહિલાને ચગદી: એકનું મોત

અન્યના બે પગ કપાયા, લોકોના ટોળાં એકઠા થતાં ચાલક સહિતના ફરાર, નેતા-પોલીસ દોડી આવ્યા

જામનગરમાં ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓ ને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે, જયારે બીજી મહિલાના બે પગ કપાયા છે.આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી. હિટાચી મશીન નો ઓપરેટર ભાગી છૂટ્યો હતો. પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં ઢીંચડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇન બીછાવવાનું કામ હાથ ધરાયું છે, અને પૂજા બિલ્ડર્સ નામની પેઢી દ્વારા આ સ્થળે ભૂગર્ભ ગટર ની પાઇપલાઇન બીછાવવાનું કામકાજ રાખવામાં આવ્યું છે. જે કંપનીના કામ હેઠળ સોમવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીન દ્વારા ખોદાણ ચાલી રહ્યું હતું.

તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બે મહિલાઓ એકાએક હિટાચી મશીન નીચે દબાઈ હતી. જેમાં ઢીંચડા રોડ પર રહેતી અને મજૂરી કામ કરતી મધુબેન નારણભાઈ સુરડીયા નામની 55 વર્ષની પ્રૌઢ મહિલા, કે જે રિવર્સમાં આવી રહેલા હીટાચી મશીન નીચે દબાઈ જવાથી તેણીનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હિટાચી મશીનની નીચે દબાઈ જવાના કારણે તેના દેહનો છુંદો નીકળી ગયો હતો, અને ભારે બીહામણાં દ્રશ્ય સર્જાયા હતા.

આ ઉપરાંત તેની સાથે જ ચાલી રહેલી અન્યા એક મહિલા આઇશાબેન ખફી, કે જેના બે પગ કપાયા હતા, અને તેણીને 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેણીની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર બનાવની જાણ થતાં સૌપ્રથમ આ વિસ્તારના વિપક્ષી કોર્પોરેટર રાહુલ બોરીચા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તાત્કાલિક અસરથી 108 ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી, તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી 108 ની ટીમે ઈજાગ્રસ્ત ને હોસ્પિટલે પહોંચાડી હતી. જ્યારે ફાયર ની ટીમે હિટાચી મશીનની નીચે દબાયેલા મહિલાના મૃતદેહને ભારે જહેમત લઈને બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપરત કરી દીધો હતો. સીટી સી. ડિવિઝનની પોલીસ ટીમે ઘટના સ્થળે દોડીજઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને હીટાચી મશીનનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઉપરાંત ખાનગી કંપનીના અન્ય સ્ટાફ કે કર્મચારીઓ સ્થળ પર હાજર ન હતા, અથવા તો તેઓ પણ ભાગી છુટ્યા હતા. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

Exit mobile version