15 દિવસ પૂર્વે જ વાડી વાવવા આવેલા દહીસરાના યુવાનને કાળ ખેંચી જતાં કલ્પાંત
મુળ જસદણના દહિસરા ગામના વતની અને પંદર દિવસ પૂર્વે જ રાજકોટના આણંદપર બાધી ગામે ખેતી વાવવા આવેલો યુવાન પોતાનું બાઈક લઈ ગામમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ નજીક આવેલા કોઠારીયા અને આણંદપર બાઘી ગામ વચ્ચેથી અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા હાર્દિક મુકેશભાઈ માલકીયા નામના 21 વર્ષના યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક હાર્દિક માલકીયા મુળ જસદણના દહિસરા ગામનો વતની હતો અને છેલ્લા 15 દિવસથી આણંદપર બાઘી ગામે વાડી વાવવા રાખી હતી. યુવાન કામ સબબ બાઈક લઈ ગામમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
