રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રન: ડમ્પરે બાઈકને અડફેટે લેતા મહિલાનું મોત

રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં ગઇકાલે બુધવારે સાંજના સમયે એક અત્યંત કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડીથી આગળ…

રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં ગઇકાલે બુધવારે સાંજના સમયે એક અત્યંત કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડીથી આગળ આવેલા પુલ પર એક બેફામ ગતિએ આવી રહેલા અજાણ્યા ડમ્ફરના ચાલકે મોટરસાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો પૈકી એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્ફર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

ઘટનાની વિગત મુજબ, જીયાણા ગામના દલિતવાસમાં રહેતા અને કડિયાકામ કરતા 40 વર્ષીય નિતિનભાઈ ઉર્ફે વશરામભાઈ વાલાભાઈ પરમાર ગઇકાલે 14 ઓક્ટોબર 2026ના રોજ પોતાના મોટરસાઇકલ પર પોતાની બહેન પ્રભાબેન તથા ભાણી મિતલબેનને બેસાડીને ડેરોય ગામ મુકવા જઈ રહ્યા હતા. તેઓ સાંજના આશરે ચાર વાગ્યાની આસપાસ વાંકાનેર ચોકડી પાસેના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક અજાણ્યા ડમ્ફરના ચાલકે પોતાના હવાલાવાળું વાહન બેફિકરાઈથી ચલાવી મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફગાઈ ગયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં પ્રભાબેન પર ડમ્ફરના વ્હીલ ફરી વળતા કમરથી નીચેના બંને પગ સંપૂર્ણપણે કચડાઈ ગયા હતા અને માથા તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેઓ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયા હતા.

જ્યારે બાઇક ચાલક નિતિનભાઈને કપાળ, જમણા હાથ અને જમણા પગના ઘૂંટણમાં ઇજા થઈ હતી અને તેમની ભાણી મિતલબેનને પણ જમણા પગમાં છોલછાલ ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રભાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે મિતલબેનની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે.આ સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસે નિતિનભાઈ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ડમ્ફર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.