Site icon Gujarat Mirror

રૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોત

શહેરના રૈયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતાં કાર ચાલકે ઠોકરે ચડાવતાં ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું ગંભીર ઈજા થતાં સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર કાર ચાલક મોબાઈલ નંબર આપી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રૈયા ગામે રહેતાં અને ભિક્ષાવૃતિ કરતાં દિવ્યાંગ ભગાભાઈ વરજાંગભાઈ પરમાર (ઉ.55) નામના પ્રૌઢ આજે સવારે ભિક્ષાવૃતિ કરવા ગયા હતાં. દરમિયાન રૈયા રોડ પર તુલસી સુપર માર્કેટ પાસે ઉભા હતાં ત્યારે અજાણી કારના ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતાં. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ભગાભાઈ ચાર ભાઈમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં કાર ચાલક અકસ્માત સજર્યા બાદ પોતાનો મો.નંબર આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version