નવાગામ નજીક હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોત

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા સોખડા ચોકડીથી આગળ ઇન્ડિયન ઓઇલ (આઇ.ઓ.સી.) ના પ્લાન્ટ સામે…

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા સોખડા ચોકડીથી આગળ ઇન્ડિયન ઓઇલ (આઇ.ઓ.સી.) ના પ્લાન્ટ સામે ગઇકાલે રાત્રિના સુમારે એક પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે રસ્તો ઓળંગતા અને પારેવડા ગામે રહેતા સમદીનાથ ભોટનાથ બામણીયા (ઉ.32) નામના વ્યક્તિને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં સમદીનાથના માથા તથા શરીરના આગળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક પોતાની ગાડી સહીત ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

બનાવની માહિતી અનુસાર, મૃતક ગઇકાલે સવારના સુમારે રાજકોટ જવા માટે ઘરથી નીકળ્યા હતા પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા અને તેઓનો ફોન પણ બંધ આવતો હોવાથી ચિંતાતુર બનેલા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂૂ કરી હતી. પરિવારજનો જ્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું ટોળું એકત્ર થયેલું જોવા મળ્યું હતું અને તપાસ કરતા સમદીનાથ મૃત હાલતમાં મળી આવ્યા હતા.મૃતક ત્રણ ભાઈ અને ચાર બહેનમાં નાનો હતો અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.તેમજ તેઓ ભિક્ષાવૃત્તિ કરતા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના સબંધી અજયનાથ પોપટનાથ સોલંકીની ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશને કલમ 106(1), 281, 125(એ), 125(બી) તેમજ એમ.વી. એક્ટની કલમ 184, 177, 134 મુજબ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.