Site icon Gujarat Mirror

હુડકો ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’: સ્કોર્પીયોના ચાલકે ઠોકરે લેતા બાંટવાના વૃધ્ધાનું મોત

રાજકોટ રહેતી દિકરીના ઘરે આટો દેવા આવેલા બાંટવાના વૃધ્ધ અને તેમના પત્નિ ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેના રસ્તે રામાધણી હોટલ સામે ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતાં તે વખતે કાળા રંગની સ્કોર્પીયોનો ચાલક વૃધ્ધાને પતિની નજર સામે જ ઉલાળીને ભાગી ગયો હતો. હિટ એન્ડ રનના બનાવમાં આ વૃધ્ધાનું મોત થતાં શોક છવાઈ ગયો છે.

વધુ વિગતો મુજબ,બાંટવા રહેતાં ઇન્દુબેનના પતિ પ્રાગજીભાઇ શામજીભાઇ મારૂૂ (ઉ.વ.76)ની ફરિયાદ પરથી અજાણી કાળા રંગની સ્કોર્પીયો કારના ચાલક વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. પ્રાગજીભાઇએ જણાવ્યું હતું કે હું માણાવદરના બાંટવા ગામે સરકારી હોસ્પિટલ પાસે કૃષ્ણપરામાં પરિવાર સાથે રહુ છું અને વાળંદ કામ કરુ છું. મારે સંતાનમાં પાંચ દિકરી અને એક દિકરો છે. હું અને મારા પત્નિ ઇન્દુબેન (ઉ.વ.63) 24મીએ સાંજે પોણા ચારેક વાગ્યે જેતપુરથી રાજકોટ રહેતી મારી દિકરી રેખાબેનના ઘરે આટો દેવા આવ્યા હતાં. એસટી બસમાં બેસી અમે સાંજે સાડા છએક વાગ્યે ગોંડલ રોડ ચોકડીએ ઉતર્યા હતાં. ત્યાંથી રિક્ષામાં બેસી ગોડલ રોડ ચોકડી અને હુડકો ચોકડીની વચ્ચે રામાધણી હોટલ સામે અમે ઉતર્યા હતાં.

આ પછી નજીકમાં આવેલા સ્વાતિ પાર્કમાં ખોડલધામ શેરી નં. રમાં રહેતી દિકરીના ઘર તરફ જવા રવાના થયા હતાં. આ વખતે અમે બંને રસ્તો ઓળંગતા હતાં ત્યારે ગોંડલ ચોકડી તરફથી પુરપાટ ઝડપે કાળા રંગની સ્કોર્પીયો આવી હતી અને મારા પત્નિને પાછળથી ઠોકરે લઇ ચાલક કાર સાથે હુડકો ચોકડી તરફ ભાગી ગયો હતો. મારા પત્નિ રોડ પર ફેંકાઇ ગયો હતાં અને તેમને માથા, શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ માણસો ભેગા થઇ ગયા તેમાંથી કોઇએ 108 બોલાવતાં મેં તેણીને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન મારા પત્નિનું મોત થયું હતું. તેમ વધુમાં પ્રાગજીભાઇએ કહેતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. એચ. એમ. ધરજીયા અને સ્ટાફે ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગી ગયેલા સ્કોર્પીયો ચાલકની શોધખોળ હાથ ધરી છે

Exit mobile version