Site icon Gujarat Mirror

ચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોત

oplus_2097184

મધરાત્રે ચા પીવા નીકળેલા આધેડને કાળનો ભેટો: ટ્રકચાલકની શોધખોળ

રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત થયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં ચોટીલામાં રહેતા આધેડ મધરાત્રે પોતાનું બાઈક લઈને ચા પીવા નીકળ્યા હતા ત્યારે ઓનેષ્ટ હોટલ પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં આવેલા ખુશીનગરમાં રહેતા મુળાભાઈ હમીરભાઇ વાઘેલા નામના 55 વર્ષના આધેડ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ચોટીલા નજીક આવેલી ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુળાભાઈ વાઘેલા બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા મુળાભાઈ વાઘેલાને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. રાત્રીના સમયે મુળાભાઈ વાઘેલા પોતાનું બાઈક લઈને ચા પીવા નીકળ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version