Site icon Gujarat Mirror

વેરાવળમાં હિટ એન્ડ રન : અજ્ઞાત વાહન અડફેટે માતાનું મૃત્યુ, પુત્રને ગંભીર ઈજા

વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રીના હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રક જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 65 વર્ષીય ડાયાબેન દેવરાજભાઈ ગળચર નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્ર ભગવાન ઉર્ફે ભાર્ગવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ અકસ્માતની વિગતો પ્રાપ્ત માહિતી અનુસાર માતા-પુત્ર મોપેડ નંબર જી.જે. 32 એ.સી. 7701 ઉપર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રક તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બંને રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ભાર્ગવને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. આ અકસ્માત અંગે પોલીસ કાર્યવાહી મૃતકના પુત્ર ની પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ને ફરાર ચાલક ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા હાઈવે પરના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.

વેરાવળ-સોમનાથ બાયપાસ પર સતત વધી રહેલા અકસ્માત ને લઈને સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના મતે ભારે વાહનોની બેફામ ગતિ અકસ્માત નું મુખ્ય કારણ છે.બાયપાસ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના સાધનોનો અભાવ છે.વારંવાર બનતી હિટ એન્ડ રનની ઘટના છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, અચાનક બનેલી આ ઘટનાથી ગળચર પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.

Exit mobile version