મોરબીમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં ચોકીદાર પ્રૌઢને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
મુળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમાં મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતાં અને સિકયોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં રફીકભાઈ મહમદભાઈ (ઉ.56) નામના પ્રૌઢ આજે વહેલી સવારે ચા પીવા જતાં હતાં ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે રસ્તો ઓળંગતી વેળાએ અજાણ્યો વાહન ચાલક તેમને ઉલાળી નાસી છુટયો હતો. જેથી તે ઈજાગ્રસ્ત હાલતમાં પડયા હોય સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. આ અંગે મોરબી પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તપાસ હાથ ધરી છે.

