હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોત

રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરના કોઠી ગામે રહેતાં…

રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરના કોઠી ગામે રહેતાં વૃધ્ધ પોતાનું બાઈક લઈ મહિકા પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણી કારના ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતાં કેશુભાઈ ખીમાભાઈ બાંભણીયા નામના 65 વર્ષના વૃધ્ધ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ મહિકા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હતી.

અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધનું તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આઉપરાંત બીજા બનાવમાં ધ્રોલના લતીપર ગામે રહેતાં ડાયાભાઈ હિરાભાઈ તરપડા નામના 68 વર્ષના વૃધ્ધ લતિપરથી કૃષ્ણપરા ગામ પોતાની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ટૂંકી સારવાર દરમિયાન વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.