Site icon Gujarat Mirror

હિટ એન્ડ રન: મોરબી રોડ ઉપર રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

oplus_32

 

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાસમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ ઉપર કેટરસમાં કામ કરતો યુવાન કચરો ફેંકીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંતી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર મારવાડી યુનિવર્સિટી પાસે આવેલ મોહીની કેટરર્સમાં કામ કરતો દલ્લારામ ગંગારામ ગામેતી નામનો 35 વર્ષનો રાજસ્થાની યુવાન રાત્રીના 9 વાગ્યાના અરસામાં મારવાડી યુનિવર્સિટી પાસે ચાલીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યાવાહન ચાલકે દલ્લારામ ગામેતીને હડફેટે લીધો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાશી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજપરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન મુળ રાજસ્થાનનો વતની અને છેલ્લા ચાર મહિનાથી અહીંયા મોરબી રોડ ઉપર મોહિની કેટરર્સમાં કામ કરતો મૃતક યુવકને સંતાનમાં એક દિકરો અને પાંચ દિકરી છે. મૃતક યુવાન કચરો ફેંકી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપીલેવા શોધખોળ હાથ ધરી છે.

 

Exit mobile version