અમીન માર્ગ પર હિંગળાજનગર PPP યોજના, 70 ઝૂંપડાનો થશે કડૂસલો

9 વર્ષ પહેલા ખાનગી ડેવલપર્સ જે.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનપાએ પીપીપી આવાસનો કરેલો ‘વહીવટ’ પૂરો કરવા કામ હાથ પર લેવાયું, 15 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા ફટકારાઇ…

9 વર્ષ પહેલા ખાનગી ડેવલપર્સ જે.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનપાએ પીપીપી આવાસનો કરેલો ‘વહીવટ’ પૂરો કરવા કામ હાથ પર લેવાયું, 15 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા ફટકારાઇ નોટિસ

રાજકોટના કોટેચા ચોક અને અમિનમાર્ગની વચ્ચે અતિ પ્રાઇમ લોકેશનમાં આવેલા અરવિંદભાઇ મણિયાર ક્વાર્ટરના રિ-ડેવલપમેન્ટના નામે મનપાએ ખાનગી બિલ્ડર જે.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અબજો રૂૂપિયાની લગડી જેવી જમીન સ્વાહા કરી દેવાનો ખેલ પાર પડ્યા બાદ હવે મણિયાર ક્વાર્ટરથી થોડે જ દૂર અમિનમાર્ગ પર જ આવેલા હિંગળાજનગર વસાહતમાં કાચા-પાકા ઝૂપડા દૂર કરી ત્યા બિલ્ડરો સાથે કહેવાતી ભાગીદારી કરીને પીપીપી આવાસ યોજના ઉભી કરવા નવ વર્ષ પહેલા મુકાયેલા પ્રોજેક્ટનું ભુત ફરી ધુણ્યુ છે.

70થી વધુ કાચા-પાકા મકાનોનું ડિમોલિશન થવાનું છે. તેનુ ડિમાર્કેશન કરીને હાલ રહેતા 70 પરિવારોને જગ્યા સ્વૈચ્છાએ ખાલી કરી દેવા 15 દિવસના અલ્ટીમેટમ સાથે ડિમોલિશનની 260(2)ની આખરી નોટિસ જારી કરી દેવામા આવી છે.

રાજકોટ મહાપાલિકાએ શહેરને ઝૂપડપટ્ટીલેશ બનાવવા ખાનગી બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી સરકારી જમીન ખેરાત કરવાનો જે ‘કારોબાર’ શરૂૂ કર્યો છે તેમાં વધુ એક ‘ગોઠવણ’ને પાર પાડવા માટેની ગતિવિધિ તેજ બનાવવામા આવી છે. પીપીપી આવાસ યોજનામાં માત્રને માત્ર પ્રાઇમ લોકેશન જ પસંદ કરવામા આવે છે. જેથી બિલ્ડરોને લખલૂટ ફાયદો થાય છે.

અન્યત્ર સ્લમ વસાહત એમને એમ રહે છે. આમા શહેર ઝૂપડપટ્ટીલેશ કઇ રીતે બને? એવા અહલ સવાલ વચ્ચે અમિનમાર્ગ અને કાલાવડ રોડ નજીક આવેલા અતિ પ્રાઇમ લોકેશનમાં સૌપ્રથમ મણિયાર ક્વાર્ટરમાં પીપીપીના વહીવટને અંજામ આપવામા આવ્યો હતો. હવે આ વહીવટના જાણે બીજા ફેઇઝ રૂૂપે સૌરાષ્ટ્ર હાઇસ્કુલની પાછળ અને અમિનમાર્ગને ટચ એવા હિંગળાજનગર વસાહતમાં ખાનગી બિલ્ડરને જમીન ખેરાત કરીને જમીનમાં ઉભેલા ઝૂપડાં દૂર કરી તેની જગ્યાએ આવાસ યોજના બનાવવાનો પ્રોજેક્ટ આગળ વધ્યો છે. આમતો હિંગળાજનગર પીપીપી આવાસ યોજનાના વહીવટનો પાયો 2017માં જ નખાઇ ગયો હતો.

મણિયાર ક્વાર્ટરની જગ્યાએ પીપીપીનો ખેલ પાર પડ્યા હવે આજે 9 વર્ષ પછી હીંગળાજનગરમાં પણ આવા જ વહીવટને અંજામ આપવા માટેનુ કામ હાથ પર લઇ લેવાયુ છે. હીંગળાજનગરમાં 70 જેટલા પરિવારો રહે છે. તેને 15 દિવસમાં જગ્યા ખાલી કરી દેવાની નોટિસ ફટકારવામા આવી છે.

75 ટકા જગ્યા અંગત રીતે લખલૂટ નફો કરવા બિલ્ડરોને મળે છે ‘લ્હાણી’
સવાલ સૌને એ થાય કે આમા બિલ્ડરને શું ફાયદો? ફાયદો ગણીએ તો અગણિત છે. કુલ જગ્યાના 25 ટકામાં જ જગ્યાના વિસ્થાપિતોને રહેણાંક આપીને બાકીની 75 ટકા જમીન બિલ્ડરને પોતાની માલિકીની મળે છે. કે જેમા બિલ્ડર ધારે એ પ્રોજેક્ટ મુકી શકે છે. આવાસ બનાવવાના ખર્ચ કરતા અગણિત-લખલૂટ ચોખ્ખો ફાયદો બિલ્ડરને મળે છે.

 

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કે પછી પર્સનલ પ્રોફિટ પાર્ટનરશિપ?!
સો મણનો સવાલ : ‘સ્લમલેસ સિટી’ના નામે પ્રાઇમ લોકેશનમાં જ કેમ મુકાય છે પીપીપી યોજના?
શહેરમાં એવા તો સંખ્યાબંધ વિસ્તારો છે કે જ્યા ઝૂપડપટ્ટી વસી ગઇ છે. પીપીપી યોજના માટે મનપા શહેરની જનતાને એવા ઉંધા ચશ્મા પહેરાવે છે કે, રાજકોટને આપણે સ્લમલેશ સિટી બનાવવુ છે! વાત બેશક સારી છે. પણ અહમ સવાલ એ છે કે, સ્લમલેશ સિટી બનાવવા માટે અતિ પ્રાઇમ લોકેશન કે જ્યા એક વાર જમીનની કિંમત 6 આંકડામાં છે તેવી જ જગ્યાના સ્લમ શા માટે દૂર થાય છે? જવાબ અરીસા જેવો પારદર્શક છે કે આવા પ્રાઇમ લોકેશનમાં બિલ્ડરોને લખલૂટ નફો કમાવી દેવાની જ આ ચાલાકીપૂર્વકની પીપીપી(‘પર્સનલ પ્રોફીટ પાર્ટનરશીપ!) યોજના હોય તેવા આક્ષેપો અગાઉ પણ ઉઠ્યા જ હતા.