ઘોઘાવદર રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટરને ફોન કરી કારમાં રાહ જોતા હતા ત્યાં અચાનક મહિલાઓએ કારમાં પથ્થર ઝીંકી ઝપાઝપી કરી, સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટના
ગોંડલ સ્થાનિક રાજકારણમાં ફરી એક વખત તિખારા ઝર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ગોંડલમાં પગદંડો જમાવવા સંઘર્ષ કરી રહેલ આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલ ઉપર આજે સવારે મહિલાઓએ હુમલો કરી કાર ઉપર પથ્થરમારો કરતાં ભારે રાજકીય ખળભળાટ મચી જવા પામેલ છે.
જીગીસા પટેલે ઘોઘાવદર રોડ ઉપર પાણી અને ગંદકીના પ્રશ્ર્ને ભાજપના સ્થાનિક કોર્પોરેટરને ફોન કરી સ્થળ ઉપર બોલાવ્યા હતાં અને કારમાં બેસી તેની રાહ જોઈ રહ્યા હતાં ત્યાં સ્થાનિક મહિલાઓના ટોળાએ અચાનક ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા જીગીસા પટેલ તરફના કાચમાંં તોતીંગ પથ્થર ઝીંકી કાચ ફોડી નાખ્યો હતો અને ઝપાઝપી કરી ફડાકા ઝીંકી દીધા હતાં. જો કે, વાત વણસે તે પહેલા જીગીસા પટેલના ડ્રાઈવરે કાર ભગાવી મુકી હતી.
મળતી માહિતી મુજબ, ગોંડલ ને કાર્યક્ષેત્ર બનાવી સક્રીય બનેલા આપ નાં મહીલા નેતા જીગીશાબેન પટેલ ઉપર ભગવતપરા નાં ઘોઘાવદર રોડ પર આવેલી સરગમ સોસાયટી માં હુમલો થયો હતો. હુમલા સમયે તેમની સ્વિફ્ટ કાર પર પથ્થરમારો કરી કાચ તોડાયા હતાં.ઇજાગ્રસ્ત જીગીશાબેન તુરંત સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.બનાવ નાં પગલે જીગીશાબેન નાં ટેકેદારો તથા આપનાં કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતા.શહેર ની એ,બી ડિવિઝન પોલીસ ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાંચ પોલીસ નો કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો.બનાવ ને લઈ ને ગોંડલ માં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ સવારે સાડા અગીયાર નાં સુમારે સરગમ સોસાયટીમાં થી પાણી,કચરા અને ગટર અંગે રજુઆત આવી હોય જીગીશાબેન પટેલ ત્રણ ચાર કાર્યકરો સાથે સ્વિટ કાર માં સરગમ સોસાયટી માં પંહોચ્યા હતા.ત્યાં મહીલાઓ એ નગર પાલીકા દ્વારા અપાતુ પાણી લીલુ આવતુ હોય ઉપરાંત કચરા નાં ઢગલા ખડકાયા હોય કોઇ સફાઈ માટે આવતુ નહી હોવાની ફરિયાદ કરી હતી.જીગીશાબેને આ વિસ્તાર નાં સ્થાનિક સુધરાઈ સભ્ય ને ફોન કરી રુબરુ આવવા ફોન કરી તેની રાહ માં કાર માં બેઠા હતા.દરમિયાન અચાનક ધસી આવેલી ત્રણ થી ચાર મહીલાઓ તથા બેત્રણ પુરુષો એ કાર માં બેઠેલા જીગીશાબેન ઉપર હુમલો કરી દિધો હતો.પત્થર થી હુમલો થતા જીગીશાબેન ને માથા માં તથા આંખ પર ઇજા પંહોચી હતી હુમલા સમયે કાર ઉપર પત્થર મારો થતા કાચ ફુટ્યા હતા.પરિસ્થિતિ વણસતા જીગીશાબેન ત્યાંથી રવાના થઈ સારવાર માટે સરકારી હોસ્પિટલ પંહોચ્યા હતા. હુમલાને કારણે તેઓ અસ્વસ્થ હોય પોલીસ નિવેદન લઇ શકી નથી.

