ગુજરાત
રૈયા ગામ પાસે બનશે હાઈલેવલ ઓવરબ્રિજ
મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસીટીની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અટલ સરોવરનું લોકાર્પણ થઈ ગયા બાદ રીંગ રોડ-2 ઉપર બીઆરટીએસ સહિતનું કામ પણ પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ રાજકોટ શહેરમાંથી રૈયા રોડ પરથી રીંગરોડ-2 સુધી પહોંચવા માટેનો રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં વચ્ચે બ્રીજની જરૂરિયાત ઉભી થતાં મહાનગરપાલિકાએ અટલ સરોવર અને રીંગરોડ-2ને કનેક્ટ થઈ શકે તે પ્રકારના હાઈલેવલ ઓવરબ્રીજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. રૂા. 12.65 કરોડના ખર્ચે રીંગરોડ-2ને જોડતો નવો હાઈલેવેલ ઓવરબ્રીજ બનાવવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અળગ વિસ્તારોમાં નાના-મોટા સહિતના 9 ઓવરબ્રીજ બનાવવા માટેની અગાઉ જાહેરાત કરી હતી. અને આ તમામ બ્રીજ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં અવાી છે. જેમાં સૌથી અગત્યના સ્માર્ટસીટી પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવાની જરૂરિયાત ઉભી થતાં અને ગિફ્ટ સીટી સમાન રોબટ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કે જે ડિસેમ્બરમાં પૂર્ણ થવાનો છે. લગભગ રૂા. 550 કરોડના ખર્ચે 930 એકરમાં ઈન્ફાસ્ટ્રક્ચરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં 11 કિ.મી.નો બીઆરટીએસ રૂટનો પણ સમાવેશ કરાયો છે.
છતાં કટારિયા ચોકડી અને જામનગર રોડથી રીંગરોડ-2 મારફતે સ્માર્ટસીટી વિસ્તારમાં સરળતાથી પ્રવેશ મળે તે માટે ફોરલેન રોડ મંજુર કરવામાં આવ્યો છે. પરંતુ શહેરીજનોને રૈયા રોડ પરથી સ્માર્ટસીટી તરફ જવા માટેના રોડ ઉપર વચ્ચે ઓવરબ્રીજની જરૂરિયાત ઉભી થતાં મહાનગરપાલિકાએ 9 બ્રીજ પૈકી અટલ સરોવર અને રીંગરોડ-2ને કનેક્ટ થતાં હાઈલેવલ ઓવરબ્રીજ માટે રૂા. 12.65 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેની મુદત પૂર્ણ થયે દરખાસ્ત રજૂ કરી તાત્કાલીક ધોરણે બ્રીજનું કામ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
રૈયા રોડ પર બીઆરટીએસનું આયોજન
સ્માર્ટ સીટીનો દરજ્જો રાજકોટ મહાનગરપાલિકાને મળ્યા બાદ પેરામીટર મુજબ સ્માર્ટ સીટીમાં બીઆરટીએસનો રૂટ નિયત કરેલ કિલોમીટરનો હોવો જોઈએ જેના લીધે મનપા દ્વારા કટારિયા ચોકડીથી સ્માર્ટસીટી એટલે કે, અટલ સરોવર સુધીના બીઆરટીએસ રૂટની કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત અટલ સરવોર ખાતે સિમેન્ટના રોડ અને બીઆરટીએસ બસસ્ટોપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે હાલના બીઆરટીએસ રૂટને કનેક્ટ થાય તે રીતે રૈયા રોડ ઉપર સ્માર્ટસીટીને જોડતા બીઆરટીએસનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળેલ છે.