મરવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપી સામેની ફરિયાદ રદબાતલ કરવા હાઇકોર્ટનો હુકમ

શહેરમાં વ્યાજ વટાવના વ્યવહારોમાં વચેટિયાની ભૂમિકામાં રહેલા પ્રૌઢને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં હાઈકોર્ટે રસીકભાઈ ચોવટીયા વિરૂૂદ્ધની ફરિયાદ રદબાતલ કરવાનો મહત્વપૂર્ણ હુકમ ફરમાવ્યો…

શહેરમાં વ્યાજ વટાવના વ્યવહારોમાં વચેટિયાની ભૂમિકામાં રહેલા પ્રૌઢને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં હાઈકોર્ટે રસીકભાઈ ચોવટીયા વિરૂૂદ્ધની ફરિયાદ રદબાતલ કરવાનો મહત્વપૂર્ણ હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગત મુજબ, રાજકોટ શહેરમાં રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ગોઠી વ્યાજે નાણાંના વ્યવહારોમાં વચેટિયા તરીકે રહ્યા હતા. તેમણે અન્ય લોકોને આશરે એકાદ કરોડ રૂૂપિયા વ્યાજે અપાવેલા હતા. નાણાં લેનાર લોકોએ નાણાં પરત ન આપતા હોવાથી નાણાં ધીરનાર અને ફાઈનાન્સરો પ્રવીણભાઈ પાસે ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને પ્રવીણભાઈએ માણાવદર તાલુકાના જીલાણા ગામે પોતાની વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે માણાવદર પોલીસ સ્ટેશન ખાતે મરણજનારના પુત્ર મીતકુમાર ગોઠીએ રસીક શામજીભાઈ ચોવટીયા, રમણીક વીરજીભાઈ વિકાણી અને નરેન્દ્ર ઘેટિયા વિરૂૂદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થતાં કેસ વંથલી એડિશનલ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. કોર્ટ કાર્યવાહી રદ કરાવવા માટે આરોપી રસીકભાઈ ચોવટીયાએ હાઈકોર્ટમાં ક્વાશિંગ પીટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન આરોપીના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી આ દલીલોને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે આરોપી રસીકભાઈ ચોવટીયા પૂરતી ફરિયાદ અને પેન્ડિંગ કેસની તમામ કાર્યવાહી રદ કરવાનો આદેશ કર્યો છે. હવે અન્ય આરોપીઓ વિરૂૂદ્ધની કેસ કાર્યવાહી યથાવત રહેશે.

આ કેસમાં આરોપી તરફે હાઈકોર્ટમાં એડવોકેટ અપૂર્વ કે. જાની અને રાજકોટની ’પી એન્ડ આર લો ચેમ્બર’ના એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, વંદના પોકીયા, અમિત વી. ગડારા, ભાર્ગવ જે. પાંડ્યા, કેતન જે. સાવલિયા, પરેશ મૃગ, ડેનિશ વીરાણી, નીતાબેન વેકરીયા, રુષિ ભુવા, મલ્હાર ફળદુ અને લો ઇન્ટર્ન જેનિશ સરધારા રોકાયેલા હતા.