રાજ્યની બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા હાઈકોર્ટનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ પોલિસી POCSO નિયમો 2020ના રૂૂલ 3(5) અનુસાર તૈયાર કરવાની છે…

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ પોલિસી POCSO નિયમો 2020ના રૂૂલ 3(5) અનુસાર તૈયાર કરવાની છે અને તેમાં બાળકો સામે હિંસાને શૂન્ય સહનશીલતા(Zero Tolerance Violence against Children)ના સિદ્ધાંતને અપનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પોલિસી બાળકો સાથે કામ કરતી અથવા સંપર્કમાં આવતી તમામ સંસ્થાઓ, સંગઠનો અને એજન્સીઓ દ્વારા અમલમાં મૂકવી જરૂૂરી છે.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેનીની ડિવિઝન બેન્ચે 25 માર્ચ 2026ના રોજ આ આદેશ આપ્યો. કોર્ટે જણાવ્યું કે આવી પોલિસીના અભાવે રાજ્ય સરકાર માટે બાળ કલ્યાણ સંસ્થાઓમાં બાળકોનો સંપર્ક સુરક્ષિત અને સંરક્ષિત રાખવું વ્યવહારિક રીતે અશક્ય છે.

બચપન બચાઓ આંદોલન અને અન્ય વતી દાખલ કરવામાં આવેલા PILમાં સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદાના અમલ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, POCSO એક્ટ અને બાળ અધિકાર સુરક્ષા આયોગના કાયદાના અમલની માંગ કરવામાં આવી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું કે બાળ કલ્યાણ સમિતિઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમો અને બાળ કલ્યાણ સંસ્થાઓમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટના પ્રાવધાનોનું પાલન નથી થતું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપૂરતું છે અને પોલીસ સ્ટેશનોમાં ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર્સની વિગતો પ્રદર્શિત નથી કરવામાં આવી.

કોર્ટે રાજ્ય સરકારને 30 જૂન 2026 સુધીમાં બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સને સોશિયલ ઓડિટ કરીને વાર્ષિક અહેવાલ અને વિશેષ અહેવાલ 30 જૂન 2026 સુધીમાં તૈયાર કરીને જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરીએ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીઓ પાસેથી અહેવાલ મેળવીને ત્રણ અઠવાડિયામાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ્સને બાળ કલ્યાણ સમિતિઓની કાર્યવાહીની ત્રણ માસિક સમીક્ષા કરવાની જવાબદારી યાદ કરાવવામાં આવી છે. આગામી સુનાવણી 30 એપ્રિલ 2026ના રોજ નક્કી કરવામાં આવી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ પ્રક્રિયાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવી જરૂૂરી છે, કારણ કે અત્યાર સુધી રાજ્ય સરકાર અને કમિશને આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. આ આદેશ ગુજરાતમાં બાળકોના અધિકારોના સંરક્ષણ, બાળ કલ્યાણ સંસ્થાઓની જવાબદારી અને પારદર્શિતા વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.