ગુજરાત
સતત ત્રીજા દિવસે સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઇવ
આરએમસી કચેરી, આરટીઓ, ડીસીબી પોલીસ સ્ટેશન સહિતના સ્થળોએ ટ્રાફિક પોલીસનું ચેકિંગ: 320 દંડાયા
રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવોને પગલે અકસ્માતમાં થતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત હોવા છતા સરકાર અમલવારી કરાવતી ન હોય જેથી હાઇકોર્ટે કડક અમલ અપનાવી રાજ્ય સરકારને હુમક ર્ક્યો હોય જે અન્વયે તમામ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરીને આવવા હુકમ ર્ક્યો છે. જે અન્વેય રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ શહેરની અલગ-અલગ સરકારી કચેરીઓમાં ટ્રાફીક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ રાખવામાં આવી હતી.
જેમાં 320થી વધુ સરકારી કર્મચારીઓ અને અરજદારો દંડાયા હતા.
રાજકોટ શહેર ટ્રાફીક ડીસીપી પુજા યાદવની સુચનાથી એસીપી ટ્રાફીક જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પોલીસના પી.આઇ., પી.એસ.આઇ. સહિતના સ્ટાફ દ્વારા શહેરમાં ઢેબર રોડ આરએમસી ઓફીસ, દક્ષિણ મામલતદાર કચેરી, કાલાવડ રોડ આરએમસી ઓફીસ, આરટીઓ, દુધ સાગર રોડ પર આવેલી જીઇબી ઓફીસ, ડીસીબી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સહિતની તમામ સરકારી કચેરીઓમાં વહેલી સવારથી હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફીક પોલીસ દ્વારા કુલ 320 કેસ કરી રૂા.1.50 લાખની વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સતત બે દિવસથી પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેને પગલે આજે ઘણી કચેરીઓમાં સરકારી કર્મચીરઓ હેલ્મેટ પહેરી આવતા નજરે પડ્યા હતા.