હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઇ છે. જેમાં રાજકોટમાં યુવાન અને પ્રૌઢા તેમજ વાંકાનેરમાં શ્રમિક બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા કપીલ જેઠાભાઇ સોંદરવા નામના 35 વર્ષના યુવકને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યા તબીબે જોઇ તપાસી યુવકનું હાર્ટએટેકથી મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું. જ્યારે બીજા બનાવમાં ગાંધીગ્રામ રહેતા અનીતાબેન ભગવાનદાસ તેદલાણી (ઉ.વ.54) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં વાંકાનેરના હસનપુરમાં કંપનીમાં કામ કરતા રાજેશકુમાર અશોકકુમાર મેહરા (ઉ.વ.41)ને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
