Site icon Gujarat Mirror

હાર્ટએટેકનો ઉપાડો : ત્રણ બહેનોના એકના એક ભાઈનું હૃદય થંભી ગયું

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પેટીયું રળવા આવેલા વંથલીના ટીનમસ ગામના પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. માતા-પિતાએ કંધોતર, ત્રણ બહેનોએ એકનો એક ભાઈ અને બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટની સિતારામ સોસાયટીમાં રહેતાં મુળ વંથલીના ટીનમસ ગામના દિનેશભાઇ મંગાભાઇ સોંદરવા નામના 45 વર્ષના પ્રૌઢ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક દિનેશભાઇ ત્રણ બહેનના એકના એક નાના ભાઇ હતાં. તેઓ મુળ વંથલી ટીનમસના વતની હતાં અને હાલ રાજકોટ રહી કારખાનામાં મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા છે. તેમનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version