હોટલે ચા પીવા ગયેલા મનપાના નિવૃત્ત કર્મી અને વેપારી સહિત પાંચેય લોકો બેભાન હાલતમાં ઢળી પડ્યા
રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ગઈકાલે હદય રોગના હુમલાથી આઠ લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે વધુ પાંચ લોકોના શ્ર્વાસ થંભી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હોટલે ચા પીવા ગયેલા મનપાના નિવૃત કર્મી અને વેપારી સહિત પાંચ લોકો બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નિપજ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી મુજબ જામનગર રોડ ઉપર સ્લમ ક્વાર્ટરમાં રહેતા આરએમસીના નિવૃત કર્મચારી ધનજીભાઈ ગોવિંદભાઈ વાઘેલા ઉ.વ.55 રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં જામનગર રોડ ઉપર હોટલે ચા પીવા ગયા હતા ત્યારે ચા પીતી વેળાએ જ હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. આધેડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યા ંતેમનું મોત નિપજ્યું હતું. મૃતક આધેડ બેભાઈ એક બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમાં પારેવડી ચોકમાં આવેલ સદગુરુ ધામ એપાર્ટમેન્ટમાં રહેતા બારદાનના વેપારી નીતીનભાઈ લક્ષ્મીદાસભાઈ કેસરિયા ઉ.વ.58 પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ બની ગયો હતો. મૃતક આધેડ નિસંતાન છે અને પાંચ ભાઈ એક બહેનમાં વચેટ હતાં.
ત્રીજા બનાવમાં મોચી બજારમાં આવેલા હરીજનવાસમાંમાં રહેતા કમલેશભાઈ વિનુભાઈ સોલંકી ઉ.વ.46 પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢને હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું.
ચોથા બનાવમાં કોઠારિયા મેઈન રોડ ઉપર ઘનશ્યામ નગરમાં રહેતા ઠાકરશીભાઈ ગોબરભાઈ ખાસિયા ઉ.વ.57 પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએટેક આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચારભાઈ ત્રણ બહેનમાં વચેટ હતાં અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.
પાંચમાં બનાવમાં કાલાવડ રોડ ઉપર લક્ષ્મીના ઢોરે રહેતા અંજુબેન રમેશભાઈ પરમાર નામના 53 વર્ષના પ્રૌઢા બપોરના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ફરજપરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાત ધરી છે.

