રાજકોટ અને પડધરીમાં હાર્ટ એટેકનો કહેર: 21 અને 25 વર્ષના બે પરપ્રાંતીય યુવાનોના મોત

રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે પડધરી અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કારણે બે આશાસ્પદ યુવાનોના મોતના બનાવ…

રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે પડધરી અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કારણે બે આશાસ્પદ યુવાનોના મોતના બનાવ સામે આવ્યા છે. પ્રથમ ઘટનામાં પડધરી ખાતે આવેલી કિંગ પાઇપ એન્ડ ફિટિંગ કંપનીમાં રહેતા 21 વર્ષીય આદર્શકુમારસિંહ સંતોષસિંહ નામના યુવાનની રાત્રિના સમયે અચાનક તબિયત બગડી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ હોસ્પિટલના બિછાને તેનું કરૂૂણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક આદર્શકુમારસિંહ મૂળ ઝારખંડનો વતની હતો.

તે ખંઢેરી પાસે દવા લેવા માટે આવ્યો હતો અને ત્યાંથી પરત પોતાની કંપની તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેની તબિયત લથડી હતી. તબીબી તપાસમાં યુવાનનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું છે.

જ્યારે બીજી ઘટના રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. અહીં રહેતા 25 વર્ષીય મનોજકુમાર બાબુલાલ નામના યુવાનને કોઈ અજ્ઞાત બીમારી સબબ અચાનક ચક્કર આવતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. યુવાન બેભાન થઈ જતાં આસપાસના લોકો અને પરિચિતો તેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક ડો. ભગવાનજીના દવાખાને લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક તપાસ બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે આ 25 વર્ષીય યુવાનનું મૃત્યુ પણ હાર્ટ એટેક આવવાના કારણે જ થયું છે. મૃતક મનોજકુમાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ બંને કરૂૂણ ઘટનાઓને પગલે વતનમાં રહેતા તેમના પરિવારોને તાત્કાલિક ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.