સિવિલમાં આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાતથી દોડધામ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક મુલાકાત લેવામાં આવતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી…

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક મુલાકાત લેવામાં આવતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય મંત્રીએ ઓચિંતા આવી પહોંચીને હોસ્પિટલના ઓપીડી, ઇમરજન્સી વિભાગ, દવાની બારીઓ અને વિવિધ વોર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને સ્વચ્છતાની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માટે તેમણે ખાસ કરીને હોસ્પિટલના યુરિનલ અને ટોઇલેટ બ્લોક્સની પણ જાત તપાસ કરી હતી. આ ચેકિંગ દરમિયાન ટોઇલેટ બ્લોક્સમાં અને હોસ્પિટલ પરિસરમાં જ્યાં પણ ગંદકી કે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો, ત્યાં તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રીએ દર્દીઓ અને તેમના સગાઓ સાથે વાતચીત કરીને મળતી સારવાર અને દવાઓ અંગે સીધો સંવાદ કર્યો હતો. સાફ-સફાઈ અને દર્દીઓની સુવિધામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન ચલાવી લેવાની કડક ચેતવણી આપીને તેમણે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. મંત્રીના આ સરપ્રાઈઝ ચેકિંગથી ફરજ પરના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સમગ્ર હોસ્પિટલ પ્રશાસન તાકીદે એલર્ટ મોડ પર આવી ગયું હતું.