હાર્દિક ધરમશાલા ન ગયો, ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરતા અટકળો

ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા 2024ના ટી-20 વર્લ્ડ કપનો સુપરસ્ટાર ખેલાડી હતો અને તાજેતરમાં 2026ના ટી-20 વિશ્વ કપમાં પણ ચેમ્પિયન ભારતીય ટીમનો ખેલાડી હતો, પરંતુ આઇપીએલ શરૂૂ…

ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા 2024ના ટી-20 વર્લ્ડ કપનો સુપરસ્ટાર ખેલાડી હતો અને તાજેતરમાં 2026ના ટી-20 વિશ્વ કપમાં પણ ચેમ્પિયન ભારતીય ટીમનો ખેલાડી હતો, પરંતુ આઇપીએલ શરૂૂ થઈ એટલે તેના વળતાં પાણી જોવા મળ્યા જેમાં ખાસ કરીને તેના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સ ની સરિયામ નિષ્ફળતાએ તેને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો છે અને હવે તો તેના નામ પર જાત જાતની અટકળ થવા લાગી છે.

પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ખેલાડીઓએ ગુરુવારે ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામે રમાવાનારી મેચ માટે ધરમશાલામાં પ્રેક્ટિસ કરી હતી, પણ તેમની સાથે હાર્દિક નહોતો. ઊલટાનું તેણે નવી મુંબઈના રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં એકલાએ ત્રણ કલાક પ્રેક્ટિસ કરી હતી. એમઆઇના મેનેજમેન્ટ સાથે હાર્દિકની કોઈ વાતે ખટપટ ચાલી રહી હોવાની વાતો અફવા બજાર ગરમ કરવા માટે જાણે પૂરતી ન હોય એમ હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ સોશ્યલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટને કારણે હાર્દિકનું ચેપ્ટર વધુ ઘૂંટાયું છે.

માહિકા શર્માની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને ઇન્ટરનેટ યુઝર્સ તેમ જ એમઆઇએ શેર કરી હતી. એ પોસ્ટ પરથી જણાય છે કે હાર્દિક તેના ઘરમાં કે હોટેલમાં છે અને તેની સાથે માહિકા શર્મા છે. આ પોસ્ટમાં હાર્દિક ફૂલોનું મોટું બૂકે હાથમાં લઈને ઊભેલો જણાય છે. જોકે આ ફોટોમાં હાર્દિકનો ચહેરો નથી દેખાતો એટલે એ કોણ છે એ પણ પ્રશ્ન છે.