વૈભવ, સચિન બનશે કે કાંબલી તે અત્યારે કહેવું મુશ્કેલ: કપીલ દેવ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે યુવા સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કપિલ દેવનું…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે યુવા સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કપિલ દેવનું માનવું છે કે માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવી રહેલો વૈભવ આવનારા સમયમાં ’સચિન તેંડુલકર’ બનશે કે પછી ’વિનોદ કાંબલી’, તે અત્યારથી કહેવું થોડું મુશ્કેલ છે. કપિલ દેવે જણાવ્યું હતું કે, “વૈભવે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. ભલે તે અત્યારે ભારતીય ટીમનો હિસ્સો છે, પરંતુ તેને વધુ તકો મળી રહી નથી. આજના સમયમાં દરેકને એક્શન ગમે છે અને સૂર્યવંશી જેટલી નાની ઉંમરનો ખેલાડી જે રીતે ચોગ્ગા-છગ્ગા ફટકારે છે, તે નાના-મોટા સૌ કોઈને જોવું ગમે છે. તેને હજુ વધુ સમય આપવાની જરૂૂર છે, તેનામાં ટેલેન્ટની કોઈ કમી નથી.”

કપિલ દેવે યુવા ખેલાડીને ચેતવણી આપતા કહ્યું કે, અત્યારે તે નાનો છે એટલે તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ પર છે, પરંતુ ઉંમર વધવાની સાથે પડકારો બદલાશે. તેમણે કહ્યું, “15 વર્ષની ઉંમરે તેણે માત્ર ક્રિકેટ વિશે જ વિચારવાનું હોય છે. પરંતુ જ્યારે તે 18-19 વર્ષનો થશે, ત્યારે બીજી ઘણી વસ્તુઓ સામે આવશે જેમ કે પાર્ટીઓ અને ધ્યાન ભટકાવનારી અન્ય બાબતો. તે સચિન તેંડુલકર બનશે કે વિનોદ કાંબલી? આ તબક્કે તે કહેવું ઘણું મુશ્કેલ છે.”