Site icon Gujarat Mirror

હમાસે ગાઝામાં પોતાની સરકાર વિખેરી યુએનની સમિતિને સત્તા સોંપવા તૈયારી

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લાં આશરે અઢી વર્ષથી ચાલતા યુદ્ધનો ટૂંક સમયમાં અંત આવે તેવી સંકેતો પ્રબળ બન્યાં છે. પેલેસ્ટિનિયન આતંકી જૂથ હમાસે અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામની યોજના હેઠળ ગાઝામાં તેની સરકાર વિખેરી નાખવાની જાહેરાત કરી છે. આ સાથે જ હમાસે સંયુક્ત રાષ્ટ્રનું પીઠબળ ધરાવતી ટેકનિકલ સમિતિને સત્તા સોંપવાની તૈયારી શરૂૂ કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતાવાળા બોર્ડ ઓફ પીસે આ મામલે જણાવ્યું હતું કે, હમાસે કરેલી જાહેરાતથી તેઓ વાકેફ છે, પરંતુ તેઓ વાસ્તવિક સ્થિતિ જોયાં પછી જ કોઈ નિર્ણય લેશે. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, યુદ્ધવિરામની શરતો અનુસાર, ટેક્નોક્રેટિક કમિટીએ ગાઝાના તમામ હથિયારોનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લેવું જોઈએ.

હમાસ સંચાલિત સરકારી મીડિયા ઓફિસના જનરલ ડિરેક્ટર ઈસ્માઈલ-અલ-થવાબ્તાએ જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનના રોજિંદા કામકાજને કરવા માટે માત્ર ટેકનિકલ અને પ્રોફેશ્નલ કર્મચારીઓ જ તેમના પદ પર રહેશે. હાલમાં કામ કરતાં સરકારના તમામ કર્મચારીઓ નેશનલ કમિટી ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝાના તાબામાં કામ કરવા માટે સંપૂર્ણ સજ્જ છએ. હમાસના પ્રવક્તા હાઝેમ કાસીમે આ જાહેરાતને યુદ્ધવિરામની સમજૂતીને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ઈજિપ્તના કૈરો સ્થિત ટેક્નોક્રેટની કમિટીના ચેરમેન અલિ શાથે હમાસે કરેલી જાહેરાતની પુષ્ટી કરી હતી. હમાસે ગાઝામાં પોતાની સરકાર વિખેરી નાખવા કરેલી જાહેરાત આંખમાં ધૂળ નાંખવા સમાન હોવાનું જણાવતાં ઈઝરાયેલે તેને નિરર્થક ગણાવી છે.

Exit mobile version