વ્યાજખોરોએ દુકાન પચાવી પાડવાની ધમકી આપતા હેર સલૂનના ધંધાર્થીએ ઝેર પીધું

શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં અને નાગેશ્ર્વર ભવાની ચોક પાસે હેરસલૂનની દુકાન ધરાવતાં યુવાને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી રેસકોર્સ નજીક ઝેરી દવા પી લીધી…

શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં અને નાગેશ્ર્વર ભવાની ચોક પાસે હેરસલૂનની દુકાન ધરાવતાં યુવાને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી રેસકોર્સ નજીક ઝેરી દવા પી લીધી હતી. વ્યાજના વરૂઓ બાઈક અને સ્કુટર પડાવી લીધા બાદ દુકાન પડાવી લેવાની ધમકી આપતાં હોવાની યુવાન પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં કશ્યપ રમેશભાઈ લખતરીયા નામનો 40 વર્ષનો યુવાન ગઈકાલે સાંજના સમયે રેસકોર્સ નજીક ગેલેકસી સિનેમા સામે આવેલા શૌચાલય પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલ ભવાની ચોકમાં ધ બારબર શોપ નામની હેર સલૂનની દુકાન ધરાવે છે. યુવાન પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પૃથ્વીભાઈ, દેવેન્દ્રભાઈ, દિગ્વીજયભાઈ, રાજદીપભાઈ, ધર્મેશભાઈ, અક્ષયભાઈ, મનોજભાઈ અને પ્રકાશભાઈ પાસેથી ડાયરી લેખે રૂપિયા લીધા હતાં. જેમાંથી કોઈના 20 હજારથી વધુ રૂપિયા બાકી નથી. વ્યાજખોરોએ સ્કુટર અને બાઈક પડાવી લીધા બાદ દુકાને જઈ દુકાન પચાવી પાડવાનો અને માલસામાન ભરી જવાની ધમકી આપતાં હોવાથી વ્યાજખોરોથી કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો હતો.