Site icon Gujarat Mirror

ભાવનગરમાં ગાયનેકોલોજિસ્ટ પત્નીને દારૂની ટેવ ધરાવતા સ્પાઇન સર્જન પતિદેવનો ત્રાસ

ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મહિલા ગાયનેકોલોજિસ્ટ દ્વારા તેમના જ પતિ, જેઓ શહેરના જાણીતા ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન છે, તેમની સામે દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાએ શહેરના તબીબી આલમમાં ચકચાર જગાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરની સરકારી સર ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. મેઘાબેન નિસર્ગભાઈ શાહના લગ્ન વર્ષ 2019માં ડો. નિસર્ગભાઈ પંકજભાઈ શાહ સાથે થયા હતા. ડો. નિસર્ગભાઈ શાહ હાલ બજરંગદાસબાપા હોસ્પિટલ ખાતે તથા ભાવનગરની અન્ય ખાનગી હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન તરીકે કાર્યરત છે. લગ્નના થોડા સમય બાદથી જ પતિએ દહેજમાં આર્થિક સુવિધાઓ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની માંગણી શરૂૂ કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.પીડિત મહિલા ડોક્ટરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિ દારૂૂ પીવાની આદત ધરાવે છે અને સ્વભાવે અત્યંત ક્રોધી અને જિદ્દી છે. લગ્ન જીવન દરમિયાન જ્યારે પણ તેમણે માગણીઓ સંતોષવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

આ ઉપરાંત, તેમને અનેકવાર માતા-પિતાના ઘરે જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમની વચ્ચેના સંબંધોમાં કડવાશ એટલી હદે વધી ગઈ હતી કે પતિએ તેમની ડોક્ટર અને ગૃહિણી તરીકેની છબી ખરાબ કરવાના ઈરાદે પાયાવિહોણા આક્ષેપો કરી ખોટી ફરિયાદો પણ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. મેઘાબેનની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે ડો. નિસર્ગભાઈ શાહ સામે બી.એન.એસ. (ઇગજ) ની સંબંધિત કલમો અને દહેજ પ્રતિબંધક અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે, જેના કારણે ભાવનગરના તબીબી વર્તુળોમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.

Exit mobile version