પરિણીત જીમ ટ્રેનરે ગર્લફ્રેન્ડને વચન આપ્યું હતું કે, તે ઇદનાં દિવસે નૈનીતાલ ફરવા લઇ જશે: ગાંધીધામથી ઝડપાયો
રાજસ્થાનના આબુ રોડમાં ₹50 લાખના દાગીના અને ₹2 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયેલા એક ‘રોમિયો’ જિમ ટ્રેનરને રાજસ્થાન પોલીસે ગાંધીધામમાંથી ઝડપી પાડ્યો છે.
પોતાની ગર્લફ્રેન્ડને ઊટી અને નૈનીતાલ જેવા હિલ સ્ટેશન પર ફેરવવા માટે આ જિમ ટ્રેનરે ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને ત્યારબાદ તે પોલીસથી બચવા માટે ગાંધીધામમાં પોતાની નાનીના ઘરે આશરો લઈને બેઠો હતો. જોકે, ગાંધીધામના એક એટીએમમાંથી પૈસા ઉપાડવાની ભૂલ તેને ભારે પડી હતી અને તે પોલીસના સકંજામાં આવી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, 30 વર્ષીય આરોપી જિમ ટ્રેનર માસુક ખાન ગત 10 એપ્રિલના રોજ આબુ રોડના રીકો વિસ્તારમાં રહેતા કીતેન્દ્રસિંહના બંધ મકાનમાંથી ₹50 લાખના દાગીના અને ₹2 લાખ રોકડા ચોરીને ફરાર થઈ ગયો હતો.
ચોરી કર્યાના દોઢ જ મહિનામાં તેણે ₹2 લાખની રોકડ મોજશોખ અને ઐયાશીમાં ઉડાવી દીધી હતી. ત્યારબાદ પોલીસથી બચવા તે ગુજરાતના ગાંધીધામ ખાતે પોતાની નાનીના ઘરે આવીને છુપાયો હતો.
બીજી તરફ, આબુ રોડ પોલીસ સાયબર એનાલિસિસ અને ઘટનાની રાત્રે વપરાયેલી બાઈકના આધારે આરોપીને શોધી રહી હતી. માસુક ખાને ગાંધીધામના એક અઝખ માંથી પૈસા ઉપાડ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન થતાં જ આબુ રોડ પોલીસને તેનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું. રાજસ્થાન પોલીસની ટીમે તાત્કાલિક ગાંધીધામ પહોંચીને માસુકને દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરાયેલા તમામ દાગીના પણ રિકવર કર્યા હતા.
માસુક ખાન પ્રોફેશનલ ટ્રેનર ન હતો, પરંતુ એક નાની દુકાનમાં જિમ ચલાવતો હતો. તે પરિણીત અને એક બાળકના પિતા હોવા છતાં ઘરે-ઘરે જઈને લોકોને જિમ ટિપ્સ આપતો હતો. તેણે પોતાની એક ગર્લફ્રેન્ડને વચન આપ્યું હતું કે 28 મેના રોજ ઈદ પછી તે તેને ઊટી અને નૈનીતાલ ફરવા લઈ જશે. આ ટ્રીપનો ખર્ચ કાઢવા જ તેણે બંધ મકાનમાં હાથફેરો કર્યો હતો.
