લાપસરી પાસે આશ્રમમાં ગુરુએ સાધ્વી પર પાવડાનો હાથો ફટકારી હાથ ભાંગી નાખ્યો

શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા લાપાસરી ગામના કેશરીયા હનુમાનજી મંદિર સંન્યાસ આશ્રમમાં એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આશ્રમમાં સેવા-પૂજા કરતા…

શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા લાપાસરી ગામના કેશરીયા હનુમાનજી મંદિર સંન્યાસ આશ્રમમાં એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આશ્રમમાં સેવા-પૂજા કરતા ઉમાગીરી નામના શિષ્ય પર તેમના જ ગુરુ સોમેશ્વરગીરીએ ઉશ્કેરાઈને પાવડાના લાકડાના હાથા વડે આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનનાર શિષ્યને જમણા હાથે કાંડા પાસે ગંભીર ફેક્ચર તેમજ શરીરના અન્ય ભાગોમાં મૂઢ ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આશ્રમ પરિસરમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ગત 5 ઓગસ્ટ 2026ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં જ્યારે ઉમાગીરી ગુરુ આશ્રમમાં આરતી અને સેવા-પૂજા કરી રહ્યા હતા, ત્યારે તેમના ગુરુ સોમેશ્વરગીરી ત્યાં આવ્યા હતા. ગુરુએ શિષ્યને પૂછપરછ કરી હતી કે તું અગાઉ દસ-બાર દિવસ પહેલાં ઓળિયા ગામ શા માટે ગયો હતો અને હજુ પણ ત્યાં જવાની તથા દાદા ગુરુ સાથે રહેવાની વાતો કેમ કરે છે. આ બાબતે શિષ્યએ જવાબ આપ્યો હતો કે તમે મને ખૂબ હેરાન કરતા હોવાથી હું ત્યાં જતો રહીશ. આ સ્પષ્ટતા સાંભળીને આરોપી ગુરુ અત્યંત ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો કરવા લાગ્યા હતા. આવેશમાં આવીને તેમણે ત્યાં જ પડેલો પાવડાનો લાકડાનો હાથો હાથમાં લીધો અને ફરિયાદી પર જીવલેણ પ્રહાર કર્યા હતા.

હુમલા બાદ ઈજાગ્રસ્ત શિષ્ય નીચે પડી ગયા હતા અને દેકારો મચાવ્યો હતો, ત્યારબાદ આરોપી ગુરુ તેમનો સામાન (જોળી) લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. થોડા સમય પછી આશ્રમે આવેલા એક દર્શનાર્થીએ ફરિયાદીની દયનીય હાલત જોઈને તાત્કાલિક 100 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. 108 ની મદદથી ઈજાગ્રસ્ત શિષ્યને રાજકોટની સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદના આધારે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજાને આગળની તપાસ સોંપી છે.