વડોદરા શહેરની ઓળખ તરીકે જાણીતી વિશ્વામિત્રી નદી અને તેમાં વસવાટ કરતા મગરો હવે માત્ર કુદરતી વારસો નહીં, પરંતુ શહેરના પ્રવાસન વિકાસનું નવું પ્રતિક બનવા જઈ રહ્યા છે. કમાટીબાગ ખાતે વિશ્વામિત્રી નદી પર મગરની થીમ આધારિત ’ક્રોકોડાઇલ બ્રિજ’ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જે આગામી સમયમાં શહેરના નવા લેન્ડમાર્ક તરીકે ઉભરી શકે છે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની અનોખી ડિઝાઇન છે. ’ક્રોકોડાઇલ બ્રિજ’ને આબેહૂબ મગરના આકારમાં વિકસાવવામાં આવશે, જેથી મુલાકાતીઓને જાણે કોઈ વિશાળ મગરના ખુલ્લા મોંમાંથી પસાર થવાનો અનુભવ થાય. વડોદરા અને વિશ્વામિત્રી નદી વચ્ચે વર્ષોથી રહેલું અનોખું જોડાણ મગરો દ્વારા ઓળખાય છે. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો જોવા મળતા હોવાથી શહેરને દેશભરમાં વિશિષ્ટ ઓળખ મળી છે. હવે આ જ વિશેષતાને પ્રવાસન સાથે સાંકળીને એક નવી ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલી કોન્સેપ્ટ ડિઝાઇન અનુસાર આ બ્રિજ આશરે 57 મીટર લાંબો અને 7.80 મીટર પહોળો હશે. તેમાં મુલાકાતીઓ માટે ખાસ વોકવે અને સાઇકલ ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવશે.
બ્રિજના મધ્ય ભાગમાં અંદાજે 3 મીટર પહોળો સમર્પિત સાઇકલ ટ્રેક તૈયાર કરવામાં આવશે, જેથી લોકો પ્રકૃતિની વચ્ચે સાયકલિંગનો આનંદ માણી શકે. સાથે જ પદયાત્રીઓ માટે પણ વિશેષ માર્ગ બનાવવામાં આવશે, જે પ્રવાસીઓને એક અનોખો અનુભવ આપશે. વડોદરા મહાનગરપાલિકાએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજિત ₹11.25 કરોડનો ખર્ચ નક્કી કર્યો છે.
