સાયબર ઠગોએ પડાવી લીધેલી 622 કરોડ જેટલી કમ બચાવી લીધી, ગુજરાત પોલીસે આંતર રાજ્ય સાયબર માફિયાઓની કમર તોડી નાખી
સાયબર ઠગ કરોડો રૂૂપિયાનો કાળો ખેલ ખેલી રહ્યા છે…પણ હવે આ ઠગોની ખેર નથી! ગુજરાત પોલીસે આખા રાજ્યના સાયબર માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. ’ઓપરેશન મ્યુલ હન્ટ’…એક એવું અભિયાન જેણે બે જ અઠવાડિયામાં સાયબર ક્રાઈમના મૂળિયાં હચમચાવી દીધા છે. ગુજરાત પોલીસે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત 2 સપ્તાહમાં 40 સાઈબર ગઠીયાની ધરપકડ કરી છે. ગુજરાતમાં વધી રહેલા સાયબર ગુનાઓને નાથવા માટે ’સાયબર ઓફ એક્સેલન્સ’ દ્વારા અત્યંત ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસના સાયબર સેલે છેલ્લા 15 દિવસમાં આંતરરાજ્ય સાયબર ગેંગની કમર તોડી નાખી છે. ’ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ 40 જેટલા રીઢા ગુનેગારોને દબોચી લેવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન પોલીસ 622 કરોડ જેટલી માતબર રકમના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવવામાં સફળ રહી છે.
સૌથી મોટો ખુલાસો ઊંઝામાં થયો છે. એશિયાના સૌથી મોટા ગંજબજાર એવા ઊંઝા એપીએમસીના નામે નકલી પેઢી ખોલીને સાયબર ગઠિયાઓએ 115 કરોડ રૂૂપિયાનો કાળો ખેલ ખેલ્યો હતો. પોલીસે ઝીણવટભરી તપાસ કરીને આ કૌભાંડના 2 મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સૌથી ચોંકાવનારો બીજો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે…રાજકોટમાં બંધન બેન્કના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ મેનેજર સાયબર ફ્રોડ કરનારાઓ પાસેથી તગડું કમિશન મેળવીને બેન્કમાંથી ગેરકાયદેસર રીતે નાણાં ઉપાડવામાં મદદ કરતો હતો.
રાજ્ય પોલીસ વડાની આ કડક કાર્યવાહીએ સાયબર માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે…પણ યાદ રાખજો, સાયબર સુરક્ષા એ માત્ર પોલીસની નહીં, પણ આપણી પણ જવાબદારી છે…તમારા બેન્ક ખાતા કે ડોક્યુમેન્ટ્સ લાલચમાં આવીને કોઈને ભાડે ન આપો.

