‘ગુજરાત મિરર’નો દસકામાં દબદબાભેર પ્રવેશ

વાચક મિત્રોના દિલ અને દિમાગમાં એક અલગ જ સ્થાન ઉભું કરનાર ‘ગુજરાત મિરર’ સાંધ્ય દૈનિક આજે તા.26 જૂનના રોજ 9 વર્ષ પૂરા કરી દસમા વર્ષમાં…

વાચક મિત્રોના દિલ અને દિમાગમાં એક અલગ જ સ્થાન ઉભું કરનાર ‘ગુજરાત મિરર’ સાંધ્ય દૈનિક આજે તા.26 જૂનના રોજ 9 વર્ષ પૂરા કરી દસમા વર્ષમાં પ્રસ્થાન કરી રહ્યું છે ત્યારે સમગ્ર ‘ગુજરાત મિરર’ પરિવાર વાચક મિત્રો, વિજ્ઞાપનકાર એજન્સીઓ, અખબારી વિતરક ભાઇઓ અને શુભેચ્છકો- શુભ ચિંતકોનો હૃદયપૂર્વક આભાર માને છે.

છેલ્લા 9 વર્ષમાં મીડિયા જગતમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને ડિજિટલ મીડિયાનો પણ દબદબો વધ્યો છે ત્યારે ‘ગુજરાત મિરર’ પ્રિન્ટ મીડિયામાં પોતાની આગવી ઓળખ ઉભું કરી શકયું છે અને સાથે સાથે ડિજિટલ મીડિયામાં પણ સફળતા હાંસલ કરી રહ્યું છે.

ગાંધી જયંતીના દિવસે હસ્તાંતરણ બાદ એક સારા શુભ ધ્યેય સાથે શરૂ થયેલ ‘ગુજરાત મિરર’ ન્યૂઝની તટસ્થતા તેમજ આકર્ષક મલ્ટિકલર લે-આઉટ માટે વાચકોમાં વિશ્ર્વાસ સંપાદન કરી શકયું છે તેમજ વ્યૂઝના બદલે માત્ર તટસ્થ ન્યૂઝને પણ વાચકવર્ગમાંથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ ઉપરાંત ‘ગુજરાત મિરર’ સોશિયલ મીડિયાને પણ અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે.

ન્યૂઝની તટસ્થતા માટે અમે વારંવાર સુજ્ઞ વાચકોના અભિપ્રાયો પણ મેળવ્યા છે અને તેમના સૂચનો સ્વીકારી પરિવર્તન લાવવા પણ સતત પ્રયાસો કરી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ ‘ગુજરાત મિરર’ તટસ્થ અને સચોટ સમાચારો વાચકો સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ છે. સમાચારો સાથે વિવિધ ક્ષેત્રનું વાંચન પણ વાચકમિત્રોને મળતું રહે તેવા હરહંમેશ પ્રયાસો પણ કરતું રહેશે. સુદર્શન મલ્ટિમીડિયા ગ્રૂપ ‘ગુજરાત મિરર’ના પ્રકાશન સાથે ગુજરાત મિરર ફાઉન્ડેશનના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ આગળ વધારી જરૂરિયાતમંદ લોકોની પડખે ઊભા રહેવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.

અખબારોની દુનિયામાં હકારાત્મક વલણ સાથે સમાજના અવાજનો પડઘો પાડવાનો પણ અમે વાચકોને કોલ આપીએ છીએ. સાથો સાથ એક પારિવારિક અને સેવાની ભાવનાથી શરૂ થયેલી ‘ગુજરાત મિરર’ની સફરના સાથી બની રહેલા વાચકો, એજન્ટ મિત્રો, વિજ્ઞાપન એજન્સીઓ સહિત તમામનો સુદર્શન મલ્ટિમીડિયા ગ્રૂપના પાર્ટનર્સ સંજય પટેલ અને કમલનયન સોજીત્રા તથા ડાયરેક્ટર પરેશ ગજેરા આભાર માને છે.