110.63 અબજ ડોલરની નિકાસ, જામનગર ફરી દેશનુ પ્રથમ ક્રમાંકનું એક્સપોર્ટ ડિસ્ટ્રિક્ટ
ગુજરાતે 2025-26 ના નાણાકીય વર્ષમાં વૈશ્વિક અનેક પડકારો અને કોમોડિટી કિંમતોમાં નરમાઈ છતાં ભારતના સૌથી મોટા નિકાસી રાજ્ય તરીકે પોતાનું શ્રેષ્ઠ સ્થાન જાળવી રાખ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યે આ વર્ષે 110.63 અબજ ડોલરની નિકાસ કરી છે, જે દેશની કુલ નિકાસમાં 25.6 ટકા હિસ્સો ધરાવે છે.
મહારાષ્ટ્ર બીજા ક્રમે છે, જેણે 70 અબજ ડોલરની નિકાસ સાથે માત્ર 16.2 ટકા હિસ્સો મેળવ્યો છે. આ આંકડા ગુજરાતની ઔદ્યોગિક તાકાત અને વેપારી ક્ષમતાને ફરી એક વખત રેખાંકિત કરે છે. જો કે, પાછલા વર્ષની સરખામણીમાં રાજ્યની નિકાસમાં 4.9 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોમાં ટેરિફ સંબંધિત અવરોધો અને મુખ્ય નિકાસી વસ્તુઓની કિંમતોમાં ઘટાડો છે.
DGFTના જોઈન્ટ ડિરેક્ટર ડો. રાહુલ સિંહે જણાવ્યું કે, ગુજરાત મુખ્ય નિકાસી રાજ્યોની યાદીમાં વર્ષોથી ટોચ પર છે. ઉદ્યોગસાહસિકતા, સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સક્રિય નીતિઓ અને પોર્ટ કનેક્ટિવિટીએ તેને વૈશ્વિક સપ્લાયર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર હજુ પણ ગુજરાતની નિકાસી કામગીરીનો મુખ્ય આધાર છે. જામનગર રાજ્યનો સૌથી મોટો નિકાસી જિલ્લો છે, ત્યારબાદ અમદાવાદ, સુરત અને કચ્છ આવે છે. આ જિલ્લાઓ રિફાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ અને પોર્ટ આધારિત લોજિસ્ટિક્સના મહત્વને દર્શાવે છે. ગુજરાતની નિકાસી ટોપલીમાં પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપરાંત મોતી અને અર્ધ-કિંમતી પથ્થરો, ફાર્માસ્યુટિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, સિરામિક્સ, એગ્રોકેમિકલ્સ અને આયર્ન-સ્ટીલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
આ વર્ષે વૈશ્વિક વાતાવરણ મિશ્રિત રહ્યું. કેમિકલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ કિરીએ જણાવ્યું કે, યુએસ ટેરિફ્સે નિકાસકારોને પડકાર આપ્યો, પરંતુ નબળા રૂૂપિયાએ આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મકતા વધારી. આ સતત પ્રયાસો અને વિવિધતાએ ગુજરાતને મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ રાખ્યું છે.
ગુજરાત સરકાર અને ઉદ્યોગ સંગઠનો વચ્ચેના સહયોગથી રાજ્યે નવી ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. આનાથી ભવિષ્યમાં વધુ વૃદ્ધિની આશા છે. ગુજરાતના નિકાસી વિકાસનું મોડલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયી છે, જે ભારતના વૈશ્વિક વેપારમાં આ રાજ્યની અનન્ય સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. આ સિદ્ધિ ગુજરાતના ઉદ્યોગપતિઓ, કાર્યકરો અને નીતિ નિર્માતાઓના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે, જે રાજ્યને ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરવામાં મદદરૂૂપ થશે.
રીલાયન્સ-નયારા- IOCને લીધે એક્સપોર્ટ અવ્વલ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ના સેક્રેટરી સુધાંશુ મહેતાએ કહ્યું, રાજ્યનું રિફાઈનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિકાસ માટે મુખ્ય પ્રેરક છે. જામનગરમાં રિલાયન્સના રિફાઈનરી ઉપરાંત નાયારા એનર્જી અને IOCની કોયલી પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે દહેજ અને વડોદરામાં વિકસિત પેટ્રોકેમિકલ હબ્સે ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગને મજબૂત આધાર આપ્યો છે. આ ઔદ્યોગિક વિસ્તારોએ રાજ્યને તેની નિકાસી પોર્ટફોલિયોને વિવિધતાપૂર્ણ બનાવવામાં અને દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા તેમજ મધ્ય પૂર્વના બજારોમાં તેની હાજરી વધારવામાં મદદ કરી છે.
