ઓપરેશન ગંગાજળ હેઠળ સિહોરના TDOને ઘરે બેસાડતી ગુજરાત સરકાર

  ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા વિકાસ અધિકારી (TDO) મૌસમસિંહ રાવ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા અત્યંત કડક અને લાલ આંખ કરતી કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી…

 

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા વિકાસ અધિકારી (TDO) મૌસમસિંહ રાવ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા અત્યંત કડક અને લાલ આંખ કરતી કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે ’ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત આ મોટો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ પ્રક્રિયા પૂર્ણ થતાં જ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા TDO મૌસમસિંહ રાવને ફરજિયાત નિવૃત્તિ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોર તાલુકામાં ફરજ બજાવતા સમય દરમિયાન મૌસમસિંહ રાવ સામે વહીવટી કામગીરીમાં લાંચ-રૂૂશ્વત, ભ્રષ્ટાચાર અને પંચાયતી નાણાંના દુરૂૂપયોગ સહિતની અનેક ગંભીર ફરિયાદો ઉઠી હતી. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસના અંતે તંત્ર દ્વારા દોષિત સાબિત થતા કે ગેરરીતિઓ પૂરવાર થતા સરકારે કાયદાકીય અને પ્રશાસનિક ધોરણે કડક વલણ અપનાવતા તેમને સેવામાંથી રીતસરના વિદાય કરી દીધા છે, જેનાથી સમગ્ર જિલ્લાના અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ભ્રષ્ટ અધિકારી સામે સરકારના આ કડક પગલાના પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. સિહોર ખાતે ભ્રષ્ટાચાર સામે લડત આપી રહેલા પક્ષ અને વિપક્ષના અગ્રણીઓ ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને અને એકબીજાને મોં મીઠાં કરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જનતાના કામો અર્થે કચેરીઓમાં થતી હેરાફેરી સામે સરકારે લીધેલા આ પગલાને પ્રજા અને સ્થાનિક સંગઠનો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.