Site icon Gujarat Mirror

મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત

મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવે તો જ અહીના ઉદ્યોગકારોના કારખાના ફરી પાછા શરૂૂ થઈ શકે તેમ છે જેથી કરીને ગુજરાત ગેસ કંપનીના અધિકારી સાથે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનોની તાજેતરમાં એક મહત્વ પૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા બાબતે સહમતિ સધાઈ છે તેવી માહિતી સિરામિક એસો.ના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા મેડમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, માજી પ્રમુખ નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા, ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં આવનારા સમયમાં સિરામિક ઉદ્યોગને ફરીથી ધમધમતો કરવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એક જ ભાવથી સસ્તો ગેસ આપવા માટેની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા બાબતે સહમતિ સધાઈ છે આ મહત્વપૂર્ણ નિર્ણય માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો. વતી શ્રીમતી અવંતિકા મેડમ તથા ગુજરાત ગેસ લિમિટેડના તમામ ઉચ્ચ અધિકારીઓનો આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

Exit mobile version