પંજાબમાંથી ગમ્ખવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક આજે સવારે એક ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોનાં મોત થયાં છે. બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતાં કારનું પડીકું વળી ગયું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ કાર બઠિંડાથી ડબવાલી તરફ જઇ રહી હતી. આ કારમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા અને તેના ચાર મિત્રો સવાર હતાં. પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો વાવ-થરાદ જિલ્લાના રહેવાસીઓ હતાં. અમિતાબહેન કરશનભાઈ રાજપૂત, અરજણભાઇ સુબાભાઇ રાજપૂત, ભરતભાઈ અજાભાઇ રાજપૂત, જનકભાઈ રાજપૂત અને સતીષ તરીકે આ લોકોનો ઓળખ થઇ છે. . આ લોકો શિમલાથી ફરીને પાછા આવતા હોવાની જાણકારી મળી રહી છે.
આ મામલે એસપી નરીન્દર સિંહે જણાવ્યું હતું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયાં હતાં. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

