શુભમન ગિલની 64, બટલરની 57 અને સુદર્શનની 84 રનની ધૂંવાધાર ઇનિંગ
ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવીને લીગ સ્ટેજની છેલ્લી મેચ જીતી લીધી. ચેન્નાઈ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું હતું, પરંતુ ટુર્નામેન્ટના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ ચેન્નાઈનો આ સૌથી મોટો પરાજય હતો.
ગુજરાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 229 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈ 13.4 ઓવરમાં માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ગુજરાતની જીતમાં સાઈ સુદર્શન, કેપ્ટન શુભમન ગિલ, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા અને રાશિદ ખાને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પહેલા બેટિંગ કરતા સુદર્શને 53 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 84 રનની ઈનિંગ રમી અને ટીમનું નેતૃત્વ કર્યું. શુભમન ગિલે 37 બોલમાં 64 રન બનાવ્યા, જ્યારે બટલરે 27 બોલમાં 57 રન બનાવ્યા. બોલિંગ કરતી વખતે મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી.
ચેન્નઈના બેટ્સમેનોએ પીછો કરતી વખતે સંપૂર્ણપણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટીમ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 17 બોલમાં 47 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો. અન્ય કોઈ બેટ્સમેન 25 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહીં.
શિવમ દુબે સિવાય મેથ્યુ શોર્ટે 24 રન, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 16 રન, કાર્તિક શર્માએ 19 રન, ડેવાલ્ડ બ્રેવિસે 8 રન, નૂર અહેમદે 1 રન અને મુકેશ ચૌધરીએ 2 રન બનાવ્યા. સંજુ સેમસન, ઉર્વિલ પટેલ અને સ્પેન્સર જોહ્ન્સન બધા કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા.
ચેન્નાઈની બહાર થવાની સાથે પ્લેઓફમાં હવે 4 ટીમો વચ્ચે મેચ થશે: રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ. કઈ ટીમ ફાઈનલ સ્લોટ માટે ક્વોલિફાય થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
આઇપીએલ-2026માં સતત પાંચ ફિફટી પ્લસનો સુદર્શનનો રેકોર્ડ
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં સુદર્શને વિસ્ફોટક બેટિંગ કરતા 84 રનની યાદગાર ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગની મદદથી તે ચાલુ સીઝનમાં ઓરેન્જ કેપની રેસમાં પણ નંબર-1 પોઝિશન પર પહોંચી ગયો છે. આ સાથે જ સુદર્શને આઈપીએલના ઈતિહાસમાં એક એવો મોટો ચમત્કાર કરી બતાવ્યો છે, જે જોવા માટે ક્રિકેટ ચાહકોએ પૂરા 7 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂૂદ્ધ અડધી સદી પૂર્ણ કરવાની સાથે જ સાઈ સુદર્શન આઇપીએલ-2026માં સતત પાંચ ફિફ્ટી પ્લસ સ્કોર કરનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આઈપીએલના ઈતિહાસમાં પૂરા 7 વર્ષ બાદ કોઈ બેટ્સમેને સતત પાંચ મેચમાં 50 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુદર્શને ચાલુ સીઝનમાં પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સતત પાંચ અડધી સદી ફટકારીને આ વિશિષ્ટ ક્લબમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
