ચોટીલા તાલુકાના પીપરડી (પીપરાળી) ગામે આવેલ પ્રાથમિક શાળામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા એક તરફ ક્ધયા કેળવણી જેવા મોટા-મોટા પ્રવચન કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે બીજી તરફ આ શાળાના નાના ભૂલકાઓ ગંદા પાણી અને રોગચાળાના ગંભીર જોખમ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
પીપરડી ગામની આ સરકારી શાળામાં ધોરણ 1 (એલ.કે.જી.) થી 8 સુધીના માસૂમ બાળકો અભ્યાસ કરે છે. ચોમાસાના વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શાળાના મુખ્ય દરવાજા પાસે તેમજ ગ્રાઉન્ડમાં અડધો-અડધો ફૂટ જેટલું ગંદુ પાણી ભરાઈ ગયું છે. શાળાના જે મેદાનમાં બાળકોના રમવા માટેના સાધનો મૂકવામાં આવ્યા છે, તે તમામ સાધનો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે બાળકો પોતાની જ શાળાના મેદાનમાં રમી શકતા નથી.
શાળામાં બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ અત્યંત દયનીય અને અસ્વાસ્થ્યપ્રદ છે. પાણી પીવા માટેનો ગોરો જમીન પર સાવ નીચે હોવાથી અને એક જ માટલામાંથી તમામ બાળકો પાણી પીતા હોવાથી ચેપી રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે. વરસાદી ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી વિદ્યાર્થીઓ ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ કે મેલેરિયા જેવી જીવલેણ બીમારીઓનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિથી કંટાળીને આજે પીપરડી ગામના આગેવાનો, ગ્રામજનો અને વાલીઓએ એકઠા થઈને મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, જો આગામી દિવસોમાં કોઈ બાળક રોગચાળાનો ભોગ બનશે કે કોઈ અઘટિત ઘટના ઘટશે, તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા વહીવટી તંત્ર અને તાલુકા પંચાયતની રહેશે.ગ્રામજનોએ ચોટીલા તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક ધોરણે શાળાના ગ્રાઉન્ડમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને પીવાના શુદ્ધ પાણીની વૈકલ્પિક સગવડ પૂરી પાડવા ઉગ્ર માંગ કરી છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
