વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા અને જી.આર.ડી. (ગ્રામ રક્ષક દળ) માં હાજરી માસ્તર તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય હરેશ હકા ટોટાએ મોરબીની દાણાપીઠ પોલીસ ચોકી ખાતે એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાર સંતાનો (એક પુત્ર અને ત્રણ દીકરીઓ) ના પિતા એવા હરેશભાઈએ પોલીસ ચોકીમાં જ આવું ગંભીર પગલું ભરી લેતા પોલીસ બેડા સહિત સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પરિવારજનો દ્વારા મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રીનો પ્રવાસ હોવાથી હરેશભાઈએ પોતાની ફરજના ભાગરૂૂપે 112 જનરક્ષક વાનમાંથી બે જી.આર.ડી. જવાનોને બંદોબસ્તની ડ્યુટી માટે મોકલ્યા હતા. જવાનોને બંદોબસ્તમાં મોકલવાની આ બાબત મોરબી 112ના જમાદારને રૂૂચી ન હતી અને તેમને આ વાતનું ખૂબ જ ખોટું લાગી ગયું હતું. ત્યારબાદ મોરબી 112ના જમાદાર દ્વારા જી.આર.ડી. જવાન હરેશભાઈને માનસિક રીતે હેરાન પરેશાન કરી સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ જમાદારના અસહ્ય ત્રાસ અને દબાણથી કંટાળીને આખરે હરેશભાઈએ દાણાપીઠ પોલીસ ચોકીમાં જઈને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. હાલ પોલીસ આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
