ગુજરાત
સરકારી ભરતીથી યુવાનોએ મોં ફેરવ્યું, નવી પરીક્ષા માટે 73 હજારે સંમતિ પત્રકો ભર્યા નહીં
રાજ્યવેરા નિરીક્ષકની 22મીએ લેવાનાર પરીક્ષામાં 31 ટકા ઉમેદવારો ઘટ્યા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીમાં પણ ફેરફાર કરીને સંમતિપત્રકને ફરજિયાત કરવામાં આવ્યું હતું.
આયોગ દ્વારા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે જે નકામો ખર્ચ કરવામાં આવે છે તેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આયોગને સફળતા મળી છે, કુલ ઉમેદવારો પૈકીના 31% જેટલા ઉમેદવારોએ સંમતિપત્રક જ નથી ભર્યા.
જીપીએસસીના ચેરમેન પદ IPS હસમુખ પટેલ દ્વારા સંભાળ્યા બાદ તેમણે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો. જેમાં આગામી 22મી ડિસેમ્બરના રોજ લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની પરીક્ષામાં 2,34,162 ઉમેદવારે અરજી કરી છે. જેમાં 73,000 જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક નથી ભર્યા. એટલે કે કુલ ઉમેદવારો પૈકીના 31% જેટલા ઉમેદવારો માટે આયોગને કોપી વ્યવસ્થા કરવાની રહેશે નહિ. આયોગના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપીને આભાર માન્યો હતો. પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી.પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર આવતો હોય છે.