Site icon Gujarat Mirror

પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સુઓમોટોમાં ભવિષ્યનો પ્લાન રજૂ કરવા સરકારને આદેશ

પોલીસ તંત્રને મજબૂત બનાવવા ભવિષ્યની યોજના હાઈકોર્ટમાં રજૂ કરવા નિર્દેશ

પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને ડી.એન. રેની ખંડપીઠે જારી કરેલાં આદેશમાં સરકારને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોલીસ તંત્રને મજબૂત કરવા અંગેના ફ્યુચર પ્લાન્સ શું છે તે રેકર્ડ પર રજૂ કરે. આ સમગ્ર મામલે સુઓમોટો રિટની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ થઇ રહી છે અને તબક્કાવાર રીતે હાઇકોર્ટ નિર્દેશ આપી રહી છે અને સામે પક્ષે સરકાર પણ પોલીસ વિભાગ સંબંધિત વિવિધ આયોજનો કોર્ટના રેકર્ડ પર મૂકી રહી છે. હાઇકોર્ટની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી 27મી જુલાઇના રોજ રાખી છે.

આ કેસમાં હાઇકોર્ટની ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકની કચેરીના પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) દ્વારા 11મી જૂનના રોજ દાખલ કરાયેલું સોગંદનામું રજૂ કર્યું છે. જે અંગે મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્ક દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યમાં પોલીસ દળમાં ભરતીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મોડ-II પરીક્ષા 26.06.2025 ના રોજ જાહેર કરાયેલી જાહેરાત સાથે પણ લેવામાં આવી હતી અને લેખિત પરીક્ષાનો ભાગ-2, જે આ કોર્ટ સમક્ષ ચાલી રહેલા મુકદ્દમાનો વિષય હોવાથી હવે તે 28.06.2026 ના રોજ યોજાશે. અધિકારીઓએ ખાલી જગ્યા ઘટાડવા માટે ગંભીર પ્રયાસો કર્યા છે.

જે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વતી દાખલ કરાયેલા સોગંદનામા પરથી સ્પષ્ટ થાય છે.જેથી હવે પ્રતિવાદીઓ રાજ્યમાં પોલીસ દળને મજબૂત બનાવવાની ભાવિ યોજનાઓ રજૂ કરે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે કરવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોરમની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યા ભરવી, ટ્રેનિંગ, વસતિ પ્રમાણે પોલીસની ભરતી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી જેવા મુદ્દા આવરી લેવાયા છે.

Exit mobile version