ગુજરાત

મોરબી રોડ પર 13 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

Published

on


રાજકોટ શહેર અને જિલ્લામાં ગૌચર અને સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો હટાવવાની ઝુંબેશ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી હાઇવે પર 13 કરોડની સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરવામાં આવી હતી.


રાજકોટ શહેરના કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પ્રાંત 1 ચાંદની પરમાર, મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ. જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, નાયબ મામલતદાર જે. એચ. સાબંડ, તલાટી ગ્રુપ-1 ધારા વ્યાસ દ્વારા રાજકોટ શહેરના મામલતદાર રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી હાઇવે તરફ જતા રસ્તા ઉપર રાજકોટ રેવન્યુ સર્વે નંબર 91 પૈકી ટીપી સ્કીમ નંબર 12 ના એફપી નંબર 55 ની જમીન ચો.મી. 3271 સરકારી જમીન ઉપર 10 ઇસમોએ અંદાજીત કિંમત 13 કરોડ સરકારી જમીન પર 8 રેતી/કપચી ના ધંધાર્થીઓ, 3 રહેણાંક ઝુંપડા, 1 ઈંડાની લારી, 1 ચાની રેંકડી, 1 નાસ્તાની રેંકડી ખડકી દીધી હતી. તેના પર બુલડોઝર ફેરવી જમીન ખાલી કરવાની કાર્યવાહી કરાઇ હતી.


આ અંગે કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર દબાણ કરનાર 10 શખસોને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ દબાણ હટાવવામાં આવ્યું નહીં વારંવાર નોટીસ આપવા છતા પણ શખ્સો દ્વારા દબાણ યથાવત રાખતા પોલીસ કાફલા સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દુર કરવાની કામગીરી કરાઇ હતી. મોરબી રોડ ઉપર કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભુમાફીયાઓ દ્વારા ગૌચર અને સરકારી જમીન પર એનકેન પ્રકારે દબાણો કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો કાચા-પાકા બાંધકામ કરી વસવાટ કરી જમીન પડાવવાનું કારસ્તાન કરી રહ્યા હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વાા આવા શખસો સામે ઝુંબેશ ચલાવવામાં આવી છે અને સરકારની કરોડોની જમીન ખુલ્લી કરાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version